Western Times News

Gujarati News

મહિનાના અંતે ધોધમાર વરસાદની આગાહી કરાઈ

અમદાવાદ, ગુજરાતમાં ચાલુ અઠવાડિયા દરમિયાન હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના મંગળવારે અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ વ્યક્ત કરી હતી. આ વર્ષે ચોમાસા દરમિયાન ૯૬થી ૧૦૪% જેટલો વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં સારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસાએ એન્ટ્રી કરવાની સાથે જ સારી શરુઆત કરી છે.ધીમે-ધીમે સમગ્ર રાજ્યને ચોમાસું ઘમરોળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચોમાસાની શરુઆત થતા રાજ્યમાં દર અઠવાડિયે વેધર વોચ ટીમની બેઠક કરવામાં આવતી હોય છે. જેમાં પહેલી બેઠક મંગળવારે યોજવામાં આવી હતી. આ બેઠક પહેલા રાજ્યના મુખ્ય સચિવે ચોમાસાની પૂર્વ તૈયારીના સંદર્ભમાં એક બેઠક યોજી હતી.

ગઈકાલે થયેલી વેધર વોચની પહેલી બેઠકમાં રિપોર્ટ્‌સ મુજબ હવામાન અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે, જ્યારે મહિનાના અંતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસું સારું રહેવાની અગાઉથી જ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હવે ચોમાસા દરમિયાન રાજ્યમાં ૯૬થી ૧૦૪ ટકા વરસાદ થવાની વકી છે.

શરુઆતમાં આ વર્ષે વરસાદ વહેલો થશે તેવી સંભાવના વ્યક્ત કરાતી હતી પરંતુ આ પછી ચોમાસું ખેંચાતા પાછલા વર્ષોની સરખામણીમાં આ વર્ષે સિઝનનો ઓછો વરસાદ થયો છે. રાજ્યના રાહત નિયામક સીસી પટેલે બેઠકમાં જણાવ્યું મંગળવાર સુધીમાં આ વર્ષનો સરેરાશ ૧૪.૪૫એમએમ વરસાદ થયો છે. આ બેઠકમાં કૃષિ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સિઝન અત્યાર સુધીમાં ૨,૫૩,૦૨૯ હેક્ટરમાં વાવેતર થયું હોવાનું જણાવ્યું હતું.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

આ પછી અઠવાડિયાના અંતમાં છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં સામાન્યથી હળવો વરસાદ થવાની વકી છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.