મહિન્દ્રા લોજિસ્ટિક્સ દત્તક લીધેલા ગામ ટેમ્ભામાં રાંધવા માટે સ્વચ્છ ઇંધણ પ્રદાન કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરશે
મુંબઈ/શાહપુર, 3 જૂન, 2019: આ વિશ્વ પર્યાવરણ દિવસ પર મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડ (MLL) મહારાષ્ટ્રનાં શાહપુર નજીક ટેમ્ભા ગામનાં ઠાકુરપાડા અને ભોસ્પાડામાં રહેવા પરિવારોને એલપીજી સિલિન્ડર્સ પ્રદાન કરવાની પહેલ હાથ ધરી છે. મહિન્દ્રા લોજિસ્ટિક્સે ટેમ્ભા ગામ દત્તક લીધું છે તથા વર્ષોથી ગામનાં નાગરિકો માટે માળખાગત સુવિધા, શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારલક્ષી માર્ગદર્શન સહિત વિવિધ વિકાસલક્ષી પહેલો હાથ ધરે છે.
પ્રધાનમંત્રી ઉજ્જવાલા યોજના (પીએમયુવાય) હેઠળ MLLએ અત્યાર સુધી એલપીજી કનેક્શન માટે 102 એપ્લિકેશનની પ્રક્રિયા કરી છે અને વધુ 54 એપ્લિકેશનની પ્રક્રિયા પર કામગીરી ચાલુ છે. આ રહેવાસીઓ રાંધવા માટે લાકડાનો ઉપયોગ કરે છે, જે પર્યાવરણ માટે નુકસાનકારક છે તેમજ સ્વાસ્થ્યને પણ અસર કરે છે. MLLએ આ પહેલ યોજના વિશે જાગૃતિ લાવવા અને ઘરમાં રસોઈનાં સુરક્ષિત વિકલ્પનાં વિસ્તૃત ફાયદા મેળવવા હાથ ધરી છે. અત્યારે કંપનીએ ટેમ્ભાનાં – ઠાકુરપાડા અને ભોસ્પાડાનાં બે વિસ્તારોને લક્ષ્યાંક બનાવ્યાં છે તથા ગામનાં બાકીનાં વિસ્તારોને ટૂંક સમયમાં લક્ષ્યાંક બનાવશે.
પીએમયુવાયની વેબસાઇટ મુજબ, ભારતમાં 24 કરોડથી વધારે કુટુંબો છે, જેમાંથી આશરે 10 કરોડ કુટુંબો હજુ પણ રાંધણ ઇંધણ તરીકે એલપીજીથી વંચિત છે અને તેઓ રાંધવાનાં પ્રાથમિક સ્ત્રોત તરીકે લાકડાં, કોલસા, છાણ – કોલસા વગેરે પર નિર્ભર છે. આ પ્રકારનાં ઇંધણનાં દહનથી ઘરમાં ધુમાડો ફેલાય છે અને એનાથી મહિલાઓ અને બાળકોનાં સ્વાસ્થ્ય પર નુકસાનકારક અસર થાય છે. તેમને શ્વાસોશ્વાસનાં રોગો થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનાં રિપોર્ટ મુજબ, ધુમાડો કરતાં ઇઁધણમાંથી મહિલાઓ કલાકમાં 400 સિગારેટ જેટલો ધુમાડો શ્વાસમાં લે છે. ઉપરાંત મહિલાઓ અને બાળકોને લાકડું ભેગું કરવાની સમસ્યામાંથી પણ છૂટકારો મળશે.
મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડનાં સીઇઓ શ્રી પિરોજશૉ સરકારીએ કહ્યું હતું કે, “અમે મહિન્દ્રા લોજિસ્ટિક્સમાં દ્રઢપણે મહિલાઓની સલામતી અને તેમનાં સશક્તિકરણમાં માનીએ છીએ. આ પહેલ સાથે અમારો ઉદ્દેશ મહિલાઓ અને બાળકોને રાંધવા માટે સ્વચ્છ ઇંધણ પ્રદાન કરીને તેમનાં સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો છે. આ પહેલ અંતર્ગત અમારો ઉદ્દેશ નાણાકીય વર્ષ 2019-20માં મહત્તમ એલપીજી કનેક્શન પ્રદાન કરવાનો છે અને આ મહિલાઓને સક્ષમ બનાવવાની સાથે સ્વસ્થ અને પ્રદૂષણમુક્ત પર્યાવરણ માટે તેમનાં જીવનમાં પરિવર્તન લાવવાનો છે.”