મહિલાએ ત્રીજી વાર લગ્ન કર્યા પછી પહેલા લગ્નથી થયેલા પુત્રનું ખોટું જન્મનું પ્રમાણપત્ર બનાવ્યું
મહિલાએ પુત્રનું ખોટું જન્મ પ્રમાણપત્ર બનાવ્યું હોવાની ફરિયાદ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામના તત્કાલીન તલાટીએ જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવ્યું હોવા બાબતે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયાના ઉચેડિયા ગામની વર્ષાબેન રતિલાલ પટેલ નામની મહિલાના પ્રથમ લગ્ન રવિન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ રહે.જરકુંડ નવાબોરભાઠા નામના ઇસમ સાથે થયા હતા. આ લગ્નજીવન દરમ્યાન તેઓ પુત્ર અંશના માતા બન્યા હતા.
ત્યાર બાદ રવિન્દ્રભાઈ અને વર્ષાબેનના છુટાછેડા થતાં વર્ષાબેને વિમલકુમાર દેસાઈભાઈ પટેલ રહે.ઉચેડિયા તા.ઝઘડિયાના સાથે બીજા લગ્ન કર્યા હતા.
ત્યાર બાદ વિમલકુમારનું મૃત્યુ થતાં વર્ષાબેને મૃત પતિ વિમલકુમારનો મરણનો દાખલો રજુ કરીને ગત તા.૧૪ મી માર્ચ ૨૦૨૩ ના રોજ ખોટું સોગંદનામું કરીને રવિન્દ્રભાઈ સાથેના તેમના પ્રથમ લગ્નની વાત છુપાવીને પોતાનું પ્રથમ લગ્ન વિમલકુમાર દેસાઈભાઈ પટેલ સાથે થયેલ હોવાનું જણાવ્યું હતું અને ત્યાર બાદ વર્ષાબેને ભરૂચના શક્તિનાથ ખાતે રહેતા સંદિપભાઈ દિલિપભાઈ મોદી નામના ઈસમ સાથે ત્રીજીવારના લગ્ન કર્યા હતા.
તેમજ આ લગ્ન સમયે લગ્નની નોંધણી કરાવતી વખતે વર્ષાબેને પુત્ર અંશનો દત્તક વિધાન લેખ તૈયાર કરાવ્યો હતો. ત્યાર બાદ સંદિપભાઈને જાણ થઈ હતી કે વર્ષાબેનનું તેમની સાથેનું ત્રીજુ લગ્ન છે,પરંતું તેમણે રવિન્દ્રભાઈ સાથેનું પોતાનું પ્રથમ લગ્ન છુપાવીને તેમના પુત્ર અંશના ખરા પિતા રવિન્દ્રભાઈ હોવા છતાં પુત્રના જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવી અંશના પિતા તરીકે તેમના બીજીવારના પતિ વિમલકુમારનું નામ લખાવ્યું હતું.
આ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ અંશનો જન્મ તા.૨૯ મી એપ્રિલ ૨૦૧૪ ના રોજ ઝઘડિયાની હોસ્પિટલમાં થયો હતો અને તેના જન્મની નોંધ સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં થયેલ હતી.પરંતું ત્યાર બાદ ઉચેડિયા ગ્રામ પંચાયતમાં અંશના જન્મની નોંધ કરાવીને તેના પિતા તરીકે વિમલકુમારનું નામ લખાવેલ હતું અને આજ પ્રમાણપત્રનો ઉપયોગ શાળામાં પ્રવેશ માટે તેમજ બેંકમાં ખાતું ખોલાવવા પણ કરાયો હતો.
વર્ષાબેને પોતાનું પહેલીવારનું લગ્ન છુપાવીને તેમજ તેમના પ્રથમ પતિથી થયેલ પુત્ર અંશના પિતા તરીકે પ્રથમ પતિને બદલે બીજીવારના પતિ વિમલકુમારનું નામ લખાવીને ગુનો કર્યો હોવાનું જણાવીને વર્ષાબેન સાથે ત્રીજીવાર લગ્ન કરનાર સંદિપભાઈ દિલિપભાઈ મોદી રહે.શક્તિનાથ ભરૂચનાએ વર્ષાબેન રતિલાલ પટેલ રહે.
ઉચેડિયા તા.ઝઘડિયા તેમજ પુત્ર જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવવામાં મદદરૂપ થનાર તેમના પિતા રતિલાલ રેવાદાસ પટેલ રહે.ગામ ઉચેડિયા અને અન્ય ઈસમ જયેશ હરિભાઈ પટેલ રહે.કુકરવાડા તા.ભરૂચ તેમજ જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવનાર ઉચેડિયાના તત્કાલીન તલાટી કમ મંત્રી યોગેશભાઈ દેગડવાલા સામે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી.