મહિલાએ રસીના બંને ડોઝ લીધા છતાં સંક્રમણની ઝપેટમાં
મધ્ય પ્રદેશમાં મહામારી વિરુદ્ધ સતર્કતામાં કોઈ કમી આવી નથી, પ્રદેશમાં નવા કેસમાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે
ભોપાલ: ભોપાલમાં ૬૫ વર્ષની એક મહિલામાં કોરોના વાયરસના નવા ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી સંક્રમણની પુષ્ટિ થઈ છે. અધિકૃત સૂત્રોએ આ જાણકારી ગુરુવારે આપી. મધ્ય પ્રદેશમાં મહામારીની બીજી લહેરનો પ્રકોપ ઓછો થઈ રહ્યો છે અને સંક્રમણના પ્રસારને રોકવા માટે લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં ઢીલ અપાઈ રહી છે. આવામાં આ નવી જાણકારી સામે આવી છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ મહિલાના નમૂના ૨૩મી મેના રોજ લેવાયા હતા
બુધવારે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રથી પ્રાપ્ત થયેલા રિપોર્ટમાં મહિલાને કોરોના વાયરસનું ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી સંક્રમણ થયું હોવાની પુષ્ટિ થઈ. સૂત્રોએ જણાવ્યું કે મહિલા કોવિડ-૧૯ રસીના બંને ડોઝ લઈ ચૂકી છે. પ્રદેશના ચિકિત્સા શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું
એક મહિલાના અલગ વેરિએન્ટથી સંક્રમણની પુષ્ટિ થઈ છે. પરંતુ આ અંગે તેમણે વિસ્તારથી જણાવ્યું નહીં. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશમાં મહામારી વિરુદ્ધ સતર્કતામાં કોઈ કમી આવી નથી. પ્રદેશમાં નવા કેસમાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ ટેસ્ટિંગમાં કોઈ કમી કરાઈ નથી. મંત્રીએ કહ્યું કે અમે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રને નમૂના મોકલી રહ્યા છીએ. કેટલાક રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી પહેલા મળી આવેલો કોવિડ-૧૯ના અત્યંત સંક્રામક ડેલ્ટા વેરિએન્ટ (મ્.૧.૬૧૭.૨) ડેલ્ટા પ્લસ વેરિએન્ટમાં ફેરવાયો હોવાની આશંકા છે.