Western Times News

Gujarati News

મહિલાઓએ રસોઈ, ખેતી, પશુપાલનના વ્યવસાય બાદ હવે રત્નકલા ક્ષેત્રમાં હાથ અજમાવ્યો

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના લવાણા ગામની ગ્રામિણ મહિલાઓની અનોખી પહેલ

મહિલાઓને ઘર આંગણે જ રોજગારી મળે તે માટે ગ્રામ પંચાયત દ્વારા હીરા ઘસવાની તાલીમ અપાયઃ માત્ર એક માસની તાલીમ બાદ માસિક રૂ. ૫ થી ૧૫ હજાર કમાઈ શકશે

(માહિતી બ્યુરો પાલનપુર) બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના લવાણા ગામની ગ્રામ પંચાયત દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. ગ્રામિણ વિસ્તારની મહિલાઓ આર્થિક રીતે પગભર બને, રોજી રોટી માટે ગામની બહાર ન જવું પડે અને ઘર આંગણે જ તેમને રોજગારી મળી રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા બહેનોને હીરા ઘસવાની તાલીમ અપાય છે.  આજે જાણીએ રત્નકલા ક્ષેત્રે લવાણા ગામની આર્ત્મનિભર મહિલાઓની અનોખી વાત.

લાખણી તાલુકાના લવાણા ગામની મહિલાઓએ રસોઇ, ખેતી અને પશુપાલનના વ્યવસાય બાદ હવે રત્નકલા ક્ષેત્રમાં હાથ અજમાવ્યો છે. આ વિસ્તારની સામાજિક રૂઢીચુસ્તતાના લીધે મહિલાઓ હીરા ઘસવાના કામથી ઘણી જ દૂર હતી. પરંતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આર્ત્મનિભર ભારત અભિયાન અને મહિલા સશક્તિકરણને વેગ આપવા લવાણા ગામના મહિલા સરપંચ શ્રીમીતી દેમાબેન રાજપૂત અને તેમના પુત્રશ્રી રામાભાઇ રાજપૂત દ્વારા ગામની મહિલાઓને ઘર આંગણે રોજગારી આપવા અનોખી પહેલ કરવામાં આવી છે.

જેનાથી છુટક મજૂરી કરતી ગામની માતાઓ, બહેનો અને દિકરીઓ પણ ગામમાં જ રોજગારી મેળવી પોતાના કુંટુંબને આર્થિક રીતે સશક્ત બનાવવા મદદરૂપ બની રહી છે. આ સ્વરોજગારીનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના આર્ત્મનિભર ભારત અભિયાનને આભારી છે તેમ ગામના અગ્રણીશ્રી રામાભાઇ રાજપૂતે જણાવ્યું હતું.

અગ્રણીશ્રી રામાભાઇ રાજપૂતે કહ્યું કે, અમારા લવાણા ગામની મહિલાઓએ રસોઈ, ખેતી અને પશુપાલનના વ્યવસાય બાદ હવે રત્નકલા ક્ષેત્રમાં હાથ અજમાવ્યો છે. જે આ વિસ્તારની મહિલાઓ માટે પ્રેરણાદાયી છે. તેમણે જણાવ્યું કે, અમારી ગ્રામ પંચાયતના સાથ અને સહકારથી ગામની માતાઓ, બહેનો અને દિકરીઓને આર્થિક રીતે પગભર બનાવવા હીરા ઘસવાની તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે અને હાલ પણ ચાલુ છે.

હાલમાં ૫૦ જેટલી બહેનોએ હીરાની તાલીમ માટે નામ નોંધાવ્યાં છે. આ પછી અમને સમજાયું કે, રત્નકલાના કામને લઇ માતાઓ-બહેનો ખુબ જ ઉત્સાહીત છે. જેથી અમે અમારા પાડોશી કુવાણા ગામના વતની અને હીરા ઉધોગના વેપારીશ્રી રમેશભાઈ માળીને આ અંગે વાત કરતાં તેઓ પણ અમને સાથ અને સહયોગ આપવા તૈયાર થઈ ગયાં.

તેમણે કહ્યું કે, મહિલાઓને પગભર કરવાના અમારા આ કાર્યમાં શ્રી રમેશભાઈએ મહિલાઓને હીરા ઘસવાની નિઃશુલ્ક તાલીમ આપવા માટે એક ટ્રેનર પણ આપ્યાં છે, તેમજ તાલીમ પૂર્ણ થયા પછી તેમને કામ મળી રહે અને તૈયાર થયેલા તમામ હીરા પણ તેઓ ખરીદશે.

શ્રી રામાભાઇએ જણાવ્યું કે, અત્યારે અમારી પાસે હીરા ઘસવાની બે ઘંટીઓ છે અને ૮ બહેનોને તાલીમ આપી રહ્યાં છીએ. પરંતુ ટૂંક જ સમયમાં અમે બીજી વધારે ઘંટીઓ ખરીદી તમામ બહેનોને હીરા ઘસવાની તાલીમ આપી સજ્જ કરી રોજગારી અપાવીશુ. તેમણે કહ્યું કે, એક બહેનને રત્ન કલાકાર તરીકે તૈયાર કરવા હીરાની તાલીમ માટે અંદાજે રૂ. ૫ થી ૭ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે

પરંતું બહેનોએ કોઇપણ પ્રકારનો તાલીમ ખર્ચ આપવાનો નથી તાલીમ તદ્દન ફ્રી રાખેલી છે. તેમણે ઉમેર્યુ કે, સરકારશ્રીના આર્ત્મનિભર અભિયાન અન્વયે અમે અમારી ગામની માતાઓ બહેનોને આર્ત્મનિભર બનાવીશું. આ તાલીમ પૂર્ણ થયાં પછી આ જ સ્થળે પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ હીરાના વ્યવસાયમાં કામ કરી બહેનો માસિક રૂ. ૫ થી ૧૫ હજાર કમાઈ શકશે.

ગામની મહિલા રત્ન કલાકાર તાલીમાર્થી શ્રીમતી કિરણબેન બારોટે જણાવ્યું હતું કે, અમારી લવાણા ગ્રામ પંચાયત તેમજ શ્રી રામાભાઈ રાજપૂત દ્વારા મહિલાઓને હીરા ઘસવાની તાલીમ અને ત્યાર પછી અહીં જ રોજગારીની ઉત્તમ તક મળી રહે તે માટે મહિલાઓના હિતમાં તેઓ ઉમદા કાર્ય કરી રહ્યાં છે. જેનાથી આ ગામની મહિલાઓ ગામમાં જ રત્ન કલાક્ષેત્રે કામ કરી સારી આવક મેળવી શકશે.

તેમણે કહ્યું કે, રત્નકલાની આ કમાણી અમારા ઘર ખર્ચ માટે તેમજ બાળકોના શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી થશે. તેમણે કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં રત્ન કલાક્ષેત્રે મહિલાઓ ભાગ્ય જ કાર્યરત હશે પણ હવે અમારા ગામની મહિલાઓમાંથી પ્રેરણા લઈ બીજા ગામો પણ મહિલાઓ માટે આવા કાર્ય કરે તો મહિલા સશક્તિકરણ ક્ષેત્રે ખુબ સારી સેવા કરી ગણાશે. આલેખનઃ દિનેશ ચૌધરી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.