મહિલાઓની માન-મર્યાદાની સાથે ચેડાની ફરિયાદ થાય તો ૨૪ કલાકમાં કન્ટેન્ટ ડિલીટ કરવું પડશેઃ
સોશિયલ મીડિયા-ઓટીટી માટે સરકારની નવી ગાઇડલાઇન જાહેર- નવા દિશા નિર્દેશો જલદી લાગુ કરી દેવાશે
નવી દિલ્હી, કેંદ્ર સરકારે સોશિયલ મીડિયા અને ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ માટે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. કેંદ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરીને નવા નિયમોની જાહેરાત કરી છે. નવી ગાઈડલાઈન્સ હેઠળ ફેસબુક અને ટિ્વટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ્સ આવશે. જાવડેકરે અગાઉ કહ્યું હતું કે, આ સંદર્ભે નવા દિશાનિર્દેશો તૈયાર કરી દેવાયા છે અને જલદી જ લાગુ કરાશે.
રવિશંકર પ્રસાદે કહ્યું, સોશિયલ મીડિયા કંપનીઓનું ભારતમાં બિઝનેસ કરવા માટે સ્વાગત છે. અમે તેમને આવકારીએ છીએ, તેઓ વેપાર કરે અને રૂપિયા કમાય. તેમણે કહ્યું સરકાર અસહમતિના અધિકારનું સન્માન કરે છે પરંતુ આ અત્યંત જરૂરી છે કે યૂઝર્સને સોશિયલ મીડિયાના દુરુપયોગ અંગે સવાલ ઉઠાવવા માટેનો મંચ પૂરો પાડવામાં આવે. પ્રસાદે કહ્યું, અમારી પાસે ઘણી ફરિયાદો આવે છે કે સોશિયલ મીડિયા પર તસવીરો મોર્ફ કરીને શેર કરવામાં આવે છે.
આતંકી પ્રવૃત્તિઓ માટે તેનો ઉપયોગ થાય છે. પ્રસાદે કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો દુરુપયોગ મસાલા સિવિલ સોસાયટીથી લઈને સંસદ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. બીજી તરફ ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ અસોસિએશન ઓફ ઈન્ડિયા (આઈએએમએઆઈ)એ કેંદ્ર સરકારને અપીલ કરી છે કે તેઓ ઓટીટી પ્લેટફોર્મ્સને નિયંત્રિત કરતાં પહેલા સ્ટેકહોલ્ડર્સ સાથે વાતચીત કરવાની અપીલ કરી છે.
આખી દુનિયામાં નેટફ્લિક્સ, પ્રાઈમ અને હોટસ્ટાર સહિત ઓછામાં ઓછા ૪૦ ઓટીટી પ્લેટફોર્મ છે. કેંદ્ર સરકારે ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ ઓટીટી પ્લેટફોર્મને રેગ્યુલેટ કરવાનો વિચાર કરી રહી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે વિવિધ ઓટીટી/સ્ટ્રીમિંગ અને ડિજિટલ પ્લેટફોર્મ પરના કન્ટેન્ટ પર નજર રાખવાની અને વ્યવસ્થા માટે એક યોગ્ય સંસ્થા સ્થાપવાની જાહેર હિતની અરજી પર કેંદ્ર પાસેથી જવાબ માગ્યો હતો.
ભાજપના ઘણા સાંસદોએ ૧૨ ફેબ્રુઆરીએ લોકસભામાં વેબ સીરિઝને સેન્સરશીપની હદમાં લાવવાની માગ કરી હકી. ભાજપના સાસંદોનું કહેવું હતું કે મોબાઈલ પર વેબ સીરીઝના માધ્યમથી હિંસા, ગાળાગાળી દર્શાવવામાં આવે છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડાય છે માટે સેન્સરશીપની વ્યવસ્થા હોવી જાેઈએ.