“મહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકારનો કટિબદ્ધ સંકલ્પ એટલે નિર્ભયા પ્રોજેક્ટ” – જાડેજા
અમદાવાદ શહેર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નિર્ભયા પ્રોજેક્ટના લોગોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
‘આઇશા હોય કે આશા’ – રાજ્ય સરકારે મહિલા વિરૂધ્ધ અત્યાચારના કેસોમાં સંવેદનશીલતા દાખવી ત્વરિત કાર્યવાહી કરી છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજ રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે નિર્ભયા પ્રોજેક્ટના લોગોનું લોકાર્પણ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ માત્ર નિર્ભયા પ્રોજેક્ટનું જ લોગો નથી, પરંતુ ગુજરાત રાજયની મહિલાઓની સુરક્ષા માટે રાજ્ય સરકારનો આ સંકલ્પ છે. ગુજરાતમા મહિલા એ પુરુષ સમોવડી છે તેમ જણાવતા મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે સમાજના તમામ ક્ષેત્રોમાં મહિલાઓ નેતૃત્વ સ્વીકારે અને પ્રગતિ પ્રાપ્ત કરે તે રાજ્ય સરકારનુ કર્તવ્ય છે અને રાજ્ય સરકાર આ કર્તવ્ય પૂર્ણ કરવાં માટે કટિબદ્ધ છે. આજની મહિલાઓ ” કોમલ હૈ પર કમજોર નહીં- શક્તિ કા નામ હી નારી હૈ” એ ઉક્તિને સાર્થક કરે છે.
રાજ્યના ગૃહ વિભાગમાં માળખાગત સુવિધાઓ વધારવા અને ટેકનોલોજી અપગ્રેડેશન અપનાવાયુ હોવાનો ઉલ્લેખ કરી ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રૂા. ૨૪૦ કરોડના આ નિર્ભયા પ્રોજેક્ટમાં બે SHE ટીમ, ૧૦૦ બોલેરો વાન, 181 – અભયમમાં ૪૦ ઈનોવા ગાડી તથા અન્ય ૬૦ ગાડીઓનો ઉમેરો કરવામાં આવશે. તથા ૧૮૦ કરોડ રૂપિયા કરતાં પણ વધારે ટેકનોલોજી અને અન્ય ઉપકરણોના માધ્યમથી આ પ્રોજેક્ટ પર વિશેષ કામગીરી કરવામાં આવશે.”
આજે ગુજરાત પોલિસમાં પુરૂષોની તુલનામાં મહિલાઓની પણ વધુ ભરતી થવા પામી છે, રાજયના ઉચ્ચ પદો પર તથા જીલ્લા, તાલુકા અને શહેરમા મહિલા પોલીસ અધિકારીઓ ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષા માટે જવાબદારી નિભાવી રહ્યા છે.જે ગર્વની બાબત છે.”
ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું આગવું સ્થાન રહેલું છે તેમ જણાવીને ગૃહમંત્રી શ્રી એ જણાવ્યું કે મહિલાઓને સુરક્ષા મળે તે માટે રાજ્ય સરકારે અનેક પ્રોજેક્ટ હાથ ધર્યા છે જેમાં રોજગારી અર્થે કૌશલ્યવર્ધન તાલીમ, નારી અદાલતો 181 હેલ્પ લાઇન જેવા અનેક પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવ્યું છે.
મહિલાઓના આકસ્મિક આત્મહત્યાના બનાવો ન બનવા પામે તે માટે એવી જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે. સમગ્ર રાજ્યમાં મહિલાઓને સલામતી અને સુરક્ષાનું રક્ષણ આપવુ તે અગ્રીમતા રહેલી છે તેમ ભારપૂર્વક જણાવી ‘આઇશા હોય કે આશા’ – રાજ્ય સરકારે મહિલા વિરૂધ્ધ અત્યાચારના કેસોમાં સંવેદનશીલતા દાખવી ત્વરિત કાર્યવાહી કરી છે, તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતની સમૃધ્ધિનો આધાર રાજ્યની શાંતિ, સલામતી અને સુરક્ષાની પરિસ્થિતિ પર રહેલો છે તેમ જણાવતા મંત્રીશ્રીએ ગુજરાત પોલિસને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવે નિર્ભયા પ્રોજેક્ટ વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત ૧૯૧૦માં કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળથી એ મહિલાઓને માન-સન્માન ભર્યું ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે.
જે પ્રથા વર્તમાન સમયમાં પણ જળવાઈ રહી છે. ગુજરાત પોલીસ વિભાગનો સહુથી મોટો પ્રોજેક્ટ એટલે નિર્ભયા પ્રોજેક્ટ છે. પોલીસના તમામ ભાગોમાં મહિલાઓની ભાગીદારી કરીને તેમને તાલીમબદ્ધ કરવામા આવી રહ્યા છે”
આ પ્રસંગે ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયા ઉપસ્થિત રહ્યા હતા તેમણે પ્રાસંગિક ઉદ્દબોધનમાં મહિલા આયોગની સ્થાપના અને કામગીરી વિશે વિગતવાર માહિતી આપી હતી.
“સેઈફ સીટી પ્રોજેક્ટ એટલે નિર્ભયા પ્રોજેક્ટ” ના લોગોનું અનાવરણ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા ના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં મહિલા પોલીસ તરીકે વિશિષ્ટ કામગીરી કરતાં બહેનોનું સન્માન મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
પોલીસ વિભાગમાં તાલીમાર્થી મહિલાઓ દ્રારા વિવિધ કરતબોનું નિર્દશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પોલીસ અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર ચૌધરી, ધારાસભ્યશ્રીઓ, પોલીસકર્મીઓ, તાલીમાર્થી મહિલાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા