મહિલાઓની સુરક્ષા વધારવા પોલીસ તંત્ર દ્વારા ગુપ્ત સર્વે હાથ ધરાયો
દરેક પોલીસ સ્ટેશનની શી ટીમની સભ્યને રોજનાં ૨૫ ફોર્મ ભરવાનો ટાર્ગેટ અપાયો, તમામ માહિતી દિલ્હી જશે
(સારથી એમ.સાગર)અમદાવાદ, મહિલાઓની સુરક્ષા મામલે અમદાવાદ શહેર હંમેશા અગ્ર રહ્યું છે. બહારગામથી આવતી યુવતી મહિલાઓ પણ શહેરમાં આવીને પોતાને સુરક્ષીત માનતી હોવાનું કહેતી હોય છે.
આ દિશામાં વધુ એક પગલું ભરતાં શહેર પોલીસતંત્ર દ્વારા હાલમાં શહેરની મહિલાઓ અંગે એક ગુપ્ત સર્વે ચાલી રહ્યો છે. જેમાં જાહેર સ્થળોએ જઈ પોલીસની શી ટીમ દ્વારા મહિલાઓને કેટલાંક સવાલો પૂછવામાં આવી રહ્યાં છે. શી ટીમને મોબાઈલ ફોન એક એપ્પ આપવામાં આવી છે.
જેમાં તમામ જવાબો લખવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે આ સર્વે દ્વારા થયેલી માહિતી મહિલાઓ માટે વધુ સુરક્ષીત વાતાવરણ ઉભું કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે.
શહેરનાં ૫૨ પોલીસ સ્ટેશનની શી ટીમને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. અને છેલ્લા એક અઠવાડીયાથી શી ટીમ શહેરમાં બાગ-બગીચા, એએમટીએસ બસ સ્ટોપ, પરીવહનનાં અન્ય સ્થળો, મોલ, શોપીંગ સેન્ટર તથા બજાર જેવાં જાહેર સ્થળોએથી આ સર્વે અંગેની માહિતી મેળવી રહી છે. શી ટીમ દ્વારા કોઈપણ મહિલાનો સંપર્ક કરી સૌ પ્રથમ સર્વે અંગેની સમજ આપવામાં આવે છે. અને તેમણે આપેલી માહિતી અત્યંત ગુપ્ત રહેશે તેવી બાંહેધરી પણ આપવામાં આવે છે. બાદમાં જ તેમને સવાલ કરવામાં આવે છે.
આ સર્વેમાં મહિલાની છેડતી બાબતનાં, મુશ્કેલીનાં સમયે સુરક્ષાનાં પરીબળો અંગે, સ્વબચાવ માટે મહિલાઓ શું કરે છે જેવાં સવાલો કરવામાં આવી રહ્યાં છે. સુરક્ષા ઉપરાંત જાહેર શૌચાલયોમાં ઉપયોગ અંગે અને મહિલાઓ ઈમરજન્સી જેવાં કે, ૧૦૦ નંબર, અભયમ તથા અન્ય હેલ્પ લાઈનથી કેટલી વાકેફ છે તથા કાયદાની માહિતી કેટલી છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ અંગે દરેક પોલીસ સ્ટેશનની શી ટીમની દરેક સભ્યને રોજનાં ૨૫ ફોર્મ પણ ભરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. બીજી તરફ આ સર્વેમાં શહેરની મહિલા તથા યુવતીઓ પણ સપોર્ટ કરી રહી છે. સૂત્રો અનુસાર આ ગુપ્ત સર્વે ગુજરાતની ચાર મહાનગર પાલિકાઓમાં ચાલી રહ્યો છે. જેનોસમગ્ર ડેટા બાદમાં દિલ્હી મોકલવામાં આવશે.