મહિલાઓ ખરી ગયેલ કેરીથી અથાણું બનાવીને વેચી રહી છે
વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠે ભારે વિનાશ નોતર્યો હતો અને આંબા પરથી મોટાભાગની કેરી ખરી ગઈ હતી
સુરત: તૌકતે વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠે ભારે વિનાશ નોતર્યો હતો. વાવાઝોડાના કારણે આંબા પરથી મોટાભાગની કેરી ખરી ગઈ હતી અને તેના કારણે ખેડૂતોની મોસમી આવકને પણ મોટો ફટડો પડ્યો છે. પરંતુ, નવસારીના અબરામા ગામમાં કેરીનો બાગ ધરાવતા બેલા પટેલ નામના મહિલા જેવા કેટલાક લોકો, આ પરિસ્થિતિ સામે કેવી રીતે લડવું તે સારી રીતે જાણે છે. સ્થાનિક એપીએમસી માર્કેટમાં તેમના બાગમાંથી ખરી ગયેલી રાજાપુરી અને અન્ય દેશી પ્રકારની કેરીઓને ખરીદનાર ન મળ્યા ત્યારે તેમણે આ આફતને તકમાં ફેરવી દીધી.
કેટલું નુકસાન થયું તે ગણવાના બદલે, તેમણે ખરી ગયેલી કેરીઓમાંથી કંઈ બનાવીને વેચવાનું અને તેમાંથી આવક ઉભી કરવાનું નક્કી કર્યું હતું. અબરામા અને બોરિયાચ ગામની અન્ય ચાર મહિલાઓ સાથે મળીને, બેલા પટેલે તેમની સફળ સફરની શરુઆત કરી. અમે અમારા ઘર માટે દર વર્ષે અથાણું અને મુરબ્બો બનાવતા હતા. તેથી અમે ખરી ગયેલી કેરીનો ઉપયોગ કરીને મોટીમાત્રામાં અથાણું અને મુરબ્બો બનાવીને સ્થાનિક બજારોમાં અથવા મિત્રો તેમજ સંબંધીઓમાં વેચવાનું નક્કી કર્યું હતું’, તેમ ભાવનિતા પટેલે જણાવ્યું હતું, જેઓ મહિલા ગ્રુપના સભ્ય છે
તેમણે રાજાપુરી કેરીનો ઉપયોગ કરીને અથાણું બનાવ્યું હતું. ખરી ગયેલી કેરીના પ્રતિ મણે અમને ૨૦૦થી ૩૦૦ રૂપિયા માંડ મળ્યા હોત પરંતુ અમારા ર્નિણયથી અમે એક કિલો અથાણું ૨૦૦થી ૨૫૦ રૂપિયામાં વેચી રહ્યા છીએ’, તેમ બેલા પટેલે જણાવ્યું હતું, જેઓ અત્યારસુધીમાં ચાર પ્રકારનું અથાણું વેચી ચૂક્યા છે. ભાવનિતા અને બેલાએ તેમના બાગમા ખરી ગયેલી કેરીમાંથી જ્યાં એક તરફ અથાણું અને આમચૂર પાઉડર બનાવ્યો હતો ત્યારે ગ્રુપના અન્ય સભ્ય જાગૃતિ પટેલ મોટા પ્રમાણમાં વેચવા માટે અન્ય ખેડૂતો પાસેથી વધારે કેરી ખરીદીને લાવ્યા હતા.
‘દેશી પ્રકારની કેરીઓનો ઉપયોગ કરીને મેં તીખું અથાણું અથાણું બનાવ્યું હતું, જ્યારે અન્ય કેરીઓમાંથી મુરબ્બો અને આમચૂર પાઉડર બનાવ્યો હતો. કેટલીક કેરી પાકી ગઈ હતી તો તેમાંથી વેચવા માટે શરબત બનાવ્યું હતું’, તેમ જાગૃતિએ કહ્યું હતું, જેઓ કેરીના સૂકાઈ ગયેલા ગોટલામાંથી મુખવાસ બનાવીને વેચવાનું વિચારી રહ્યા છે.