મહિલાના વાળમાં થૂક લગાવવા બદલ જાવેદ હબીબે માફી માંગી

નવી દિલ્હી, જાણીતા હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ પર એક મહિલાના વાળ કાપતી વખતે તેના વાળમાં થૂંક લગાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પીડિત મહિલા પૂજા ગુપ્તાએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ હિન્દુ જાગરણ મંચે જાવેદ હબીબનુ પુતળુ ફૂંકીને આ ઘટનાનો વિરોધ કર્યો છે. દરમિયાન જાવેદ હબીબે વિડિયો વાયરલ થયા બાદ માફી માંગી છે અને કહ્યુ છે કે હું દિલથી માફી માંગુ છું.જોકે જાવેદે થૂકવાની વાતનો ઉલ્લેખ કર્યો નથી.
જાવેદનો વાળમાં થૂંક લગાવવાનો વિડિયો ગઈકાલથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો સોશિયલ મીડિયા પર તેની ટીકા કરી રહ્યા છે.મહિલા પૂજા ગુપ્તાએ કહ્યુ છે કે, જાહેરમાં સ્ટેજ પર જ મારા વાળમાં થૂંકીને જાવેદ હબીબે મારી બેઈજ્જતી કરી છે.
પૂજા ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે, મેં જાવેદ હબીબનો સેમિનાર એટેન્ડ કર્યો હતો અને મેં જ્યારે જાવેદ હબીબને સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યુ હતુ કે, તુ ચુપ બેસી રહે.એ પછી હું મંચ પર ગઈ ત્યારે તેમણે મારા વાળની કટિંગ સ્ટાર્ટ કરી હતી અને વાળમાં બે વખત થૂકયા હતા અને કહ્યુ હતુ કે પાર્લરમાં જો પાણી ના હોય તો થૂંકીને પણ વાળ કાપી શકાય છે.