Western Times News

Gujarati News

મહિલાને વિદ્યાલયમાં નોકરી અપાવવા બહાને લાખો ખંખેર્યા

Files Photo

અમદાવાદના રખિયાલ વિસ્તારની ઘટના-ગઠીયાએ ફરિયાદીને ફોર્મ ભરવા માટે ગાંધીનગર સેકટર ૩૦ ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલય પર પણ બોલાવ્યા હતા

અમદાવાદ, કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષકની નોકરી આપવાના બહાને દંપતી સાથે રૂપિયા સાડા છ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. પતિના મિત્ર મારફતે થયેલ ઓળખાણમાં આરોપીએ ફરિયાદીને ગાંધીનગર કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરી અપાવી આપવાની લાલચ આપી હતી.

રખિયાલ વિસ્તાર રહેતા લીલાબેન ક્રિશ્ચયન જે ખોખરાની સેવન્થ-ડે સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેમના પતિના મિત્ર અમજાદભાઈએ રાજપીપલાના ઈકબાલ ભાઈ સાથે મુલાકાત કરાવી હતી. જેમણે ફરિયાદીને લાલચ આપી હતી કે, ગાંધીનગર કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે નોકરીની જગ્યા છે.

મારી ઓળખાણ છે, હું તમારી પત્નીને ત્યાં લગાવી દઈશ. જેના બદલામાં ઇકબાલભાઇએ રૂપિયા ૧૫ લાખની માંગણી કરી હતી. જાેકે, ફરિયાદીને વિશ્વાસ ના આવતા તેઓ સીટીએમ ચાર રસ્તા અને વડોદરા એમ બે વખત મુલાકાત પણ કરી હતી. પરંતુ ભેજાબાજ ગઠીયાએ ફરિયાદીને પોતાની જાળમાં ફસાવવા માટે વિશ્વાસ રાખવાનુ કહ્યું હતું.

અંતે ફરિયાદીએ તેમના પરિવારની હાજરીમાં વીડિયોગ્રાફી કરી રૂપિયા સાડા છ લાખ આપ્યા હતા. થોડા દિવસ બાદ આ ગઠીયાએ ફરિયાદીને ફોર્મ ભરવા માટે ગાંધીનગર સેકટર ૩૦ ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલય પર પણ બોલાવ્યા હતા. જ્યાં અન્ય બે ઈસમો પણ હાજર હતા.

જાેકે, ત્રણેક મહિના બાદ પણ નોકરી માટેનો કોલ લેટર ના આવતા અંતે ફરિયાદીએ ઈકબાલભાઈનો સંપર્ક કર્યો હતો. ત્યારે ત્રણ દિવસ બાદ રજીસ્ટર એડીથી કેન્દ્રીય વિદ્યાલય ગાંધીનગર ખાતે હાજર થવાનો કોલ લેટર પણ મોકલી આપ્યો હતો. બાદમાં હાજર કરવા માટે અલગ અલગ બહાના બતાવ્યા હતા. જાેકે અંતે તેણે પોતે લીધેલા રૂપિયા પરત આપવા માટેની પણ ખાતરી આપી હતી. પરંતુ રૂપિયા પરત ના કરતા મહિલાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.