Western Times News

Gujarati News

મહિલાનો ૪૮ કલાક જીવતી સમાધિનો પ્રયાસ: પોલીસે સમાધિમાંથી બહાર કાઢી

આસ્થાના નામે અંધશ્રધ્ધાને પ્રાત્સાહન આપતો કિસ્સો-ભગવાન શિવે સ્વપ્નમાં દર્શન આપ્યા, સમાધિ લેવા કહ્યું હોવાનો મહિલાનો દાવો

કાનપુર,  ઉત્તર પ્રદેશના કાનપુરમાં આસ્થાના નામે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતો એક અનોખો નજારો જાેવા મળ્યો. દિવસ-રાત ભગવાન શિવની પૂજા કરનારી એક મહિલાએ બુધવારે ૪૮ કલાક સુધી જીવિત સમાધિ લેવાનો પ્રયાસ કર્યો. મહિલાએ દાવો કર્યો હતો કે ભગવાન શિવએ તેમને દર્શન આપ્યા હતા અને સમાધિ લેવાનું કહ્યું હતું.

આ પછી મહિલાએ ઘરના આંગણામાં એક ખાડો ખોદ્યો અને જીવતી દફન થઈ હતી. જાેકે પોલીસને બનાવની જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચીને મહિલાને ખાડામાંથી બહાર કાઢી હતી.

મળતી માહિતી પ્રમાણે મહિલાની સમાધિ વિશે ગ્રામજનોને જાણ થતાં જ મહિલાના ઘરે ભીડ એકઠી થવા લાગી. સમાધિ પર ઢોલ અને વાજિંત્રોથી ગામલોકોએ ભજન-કીર્તન શરૂ કર્યુ હતું. અન્ય ગામલોકોએ પણ પ્રસાદ ચઢાવવાનું પણ શરૂ કર્યું. ઘાટમપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મઢા ગામે રહેતો રામ સજીવન ખેડૂત તરીકે કામ કરે છે. તેના પરિવારમાં પત્ની ગયાશ્રી, પુત્ર અરવિંદ અને પુત્રી સુમિત્રા છે.

રામ સજીવનની પત્ની ગયાશ્રી છેલ્લા ૫ વર્ષથી ભગવાન ભોલેનાથની પૂજા કરી રહી છે. પરિવારે કહ્યું કે ગયાશ્રી સીધા ભગવાન શિવ સાથે વાત કરી હતી. એક દિવસ ભગવાન શિવ ગયાશ્રી સામે પ્રગટ થયા અને જીવતા સમાધિ લેવાની વાત કહી, તેથી ગયાશ્રીએ ૪૮ કલાક માટે જીવિત સમાધિ લીધી છે.

સમાધિ લેનારી મહિલાના પતિએ દાવો કર્યો છે કે ૪૮ કલાક પછી પત્નીને જીવંત બહાર કાઢવામાં આવશે. મહિલાના પતિ રામ સજીવન કહે છે કે હું ભગવાન હનુમાનનો પરમ ભક્ત છું. મારી પત્ની ભગવાન ભોલેનાથની ઉપાસના કરતી હતી. ભગવાન શિવે જેવું કહ્યું છે મારી પત્નીએ તે જ કર્યું છે. મહિલાના પુત્ર અરવિંદે જણાવ્યું કે, ઘરના આંગણામાં જ આશરે ૫ ફૂટ ઉંડો ખાડો ખોદીને એક કબર બનાવવામાં આવી છે. બુધવારે સમાધિ લેવાની હતી.

માતા છેલ્લા ઘણા અઠવાડિયાથી આ માટેની તૈયારી કરી રહી હતી. માતાએ ખાવાનું અને પાણી બંધ કરી દીધું હતું. આ પછી વિધિ સાથે સમાધિનું સંચાલન કરવામાં આવ્યું. પરિવારે જણાવ્યું કે મહિલાને ૪૮ કલાક બાદ ખાડો ખોદીને બહાર કાઢવામાં આવશે. જાે કે પોલીસને સૂચના મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચીને તેઓએ મહિલાને સમાધિમાંથી બહાર કાઢી હતી.

એસપી રૂરલ બ્રિજેશ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ફોર્સ મોકલી મહિલાને બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. તેના પરિવારજનોને પોલીસ સ્ટેશન મોકલી દેવાયા છે. મહિલા લગભગ બે કલાકથી ખાડાની અંદર રહી છે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.