મહિલા ઈજાગ્રસ્ત થઈ પણ લૂંટારાઓનો સામનો કરી લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે પાડોશીએ પાડોશીના ઘરમાં લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો.
મહિલાના પગ પકડી તકિયા વડે મોઢું દબાવી મહિલાને મારી નાંખવાની કોશિષ
ભરૂચ, ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે પાડોશીએ પાડોશીના ઘરમાં લૂંટ કરવાનો પ્લાન ઘડી બારી માંથી બે લુંટારૂઓએ પ્રવેશતા ઘરમાં ઊંઘતી મહિલા જાગી જતા લૂંટારૂઓને ઓળખતી હોવાના કારણે લૂંટનો ભાંડો ન ફૂટી જાય
તે માટે બંને લુંટારૂએ મહિલાનું ટાકિયા વડે મોઢું દબાવી તીક્ષ્ણ હથિયારથી મહિલાને ઘા ઝીંકી લુંટારૂઓ ભાગી જતા પોલીસે એફએસએલની મદદ લેવા સાથે બંને લુંટારૂઓ સામે ગુનો દાખલ કર્યો છે.
નબીપુર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદના અનુસાર ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામના નર્મદા ફળીયાના માછીવાડ વિસ્તારમાં નયનાબેન ગીરીશભાઈ માછી પટેલ પોતાના ઘરમાં ઊંઘી રહ્યા હતા તે દરમ્યાન તેઓના ઘરની સામે રહેતા પંકજભાઈ સોમાભાઈ માછી પટેલ અને
અર્જુનભાઈ ગણપતભાઈ માછી પટેલ બંનેએ નયનાબેન માછી પટેલની દીકરીનું શ્રીમંત હોવાના કારણે તેઓના ઘરમાં રોકડ અને સોના – ચાંદીના દાગીના હોવાની શંકાએ મુખ્ય દરવાજાની બારી માંથી લૂંટ કરવાના ઈરાદે ઘરમાં પ્રવેશ્યા હતા.તે દરમ્યાન ઘરમાં ઊંઘતી નયનાબેન માછી પટેલની ઊંઘ ઉડી જતા
ઘરમાં પ્રવેશેલા પંકજભાઈ સોમાભાઈ માછી પટેલ અને અર્જુનભાઈ ગણપતભાઈ માછી પટેલને પૂછ્યું તમે મારા ઘરમાં કેવી રીતે ઘુસ્યા તેમ કહેતા જ ઉશેકારાયેલા બંનેએ પૈકીના એકે મહિલાના પગ પકડી બીજાએ ટકિયા વડે મોઢું દબાવી મહિલાને મારી નાંખવાની કોશિષ કરતા લુંટારૂ અને મહિલા વચ્ચે ઝપાઝપી થતા મહિલાએ બંને લુંટારૂઓનો પ્રતિકાર કરી હિંમત દાખવી હતી.પંરતુ લુંટારૂઓને ઈજાગ્રસ્ત મહિલા ઓળખતી હોવાના કારણે મહિલાને તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી લોહી લુહાણ કરી પાડોશી લુંટારૂ ભાગી ગયા હતા.
ગંભીર રીતે ઘવાયેલી નયનાબેન માછી પટેલે ઘરની બહાર નિકરી બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને લોહી લુહાણ નયનાબેનને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પોલીસે લુંટારૂ પંકજભાઈ સોમાભાઈ માછી પટેલ અને અર્જુનભાઈ ગણપતભાઈ માછી પટેલ સામે ગંભીર પ્રકારનો ભારતીય દંડની કલમ નો ૩૯૪,૩૯૮,૪૫૭,૪૫૮,૪૫૯,૪૬૦ અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી લુંટારૂ પાડોશીઓ ની ઘરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.