મહિલા કે પુરૂષ હવે ડોમિસાઈલ પ્રમાણપત્ર હાંસલ કરી શકશે
શ્રીનગર: ઉપરાજ્યપાલ પ્રશાસને મહત્વપૂર્ણ ર્નિણય લઈને જમ્મુ કાશ્મીર પ્રમાણપત્ર ધારક સાથે લગ્ન કરનાર મહિલા અથવા પુરૂષને ડોમિસાઈલ પાત્ર માની લીધા છે. સામાન્ય પ્રશાસન વિભાગે નવા નિયમની સૂચના જાહેર કરી દીધી છે. તે અંતર્ગત પ્રદેશમાં ડોમિસાઈલ પ્રમાણપત્ર ધારક સાથે લગ્ન કરવા પર અન્ય રાજ્યની મહિલા કે પુરૂષ હવે ડોમિસાઈલ પ્રમાણપત્ર હાંસલ કરીને સરકારી નોકરીને પાત્ર ગણાશે.
અગાઉની વ્યવસ્થામાં ફક્ત ૧૫ વર્ષ સુધી જમ્મુ કાશ્મીરમાં રહેવા, નિર્ધારિત સમય સુધી પ્રદેશમાં સેવાઓ આપવા અને વિદ્યાર્થીઓ માટે નિર્ધારિત નિયમો અંતર્ગત જ ડોમિસાઈલ પ્રમાણપત્રની જાેગવાઈ હતી. સામાન્ય પ્રશાસન વિભાગે મંગળવારે સૂચના જાહેર કરીને ડોમિસાઈલ પ્રમાણપત્રમાં ૭મો ક્લોજ જાેડ્યો છે. સૂચના પ્રમાણે ભારતીય બંધારણની કલમ ૩૦૯નો પ્રયોગ કરીને જમ્મુ કાશ્મીર સિવિલ સર્વિસીઝ એક્ટ ૨૦૧૦ની કલમ ૧૫ અંતર્ગત આપવામાં આવેલા નિયમો અંતર્ગત ૭મો ક્લોજ જાેડવામાં આવ્યો છે.
ડોમિસાઈલ પ્રમાણપત્ર નિયમોના આ ૭મા ક્લોજમાં સ્પાઉસ ઓફ ડોમિસાઈલની શ્રેણી જાેડવામાં આવી છે. તેમાં પતિ કે પત્નીનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. મતલબ કે આ શ્રેણીના અરજીકર્તાએ ડોમિસાઈલ માટે પોતાના જીવનસાથીનું ડોમિસાઈલ પ્રમાણપત્ર અને લગ્નનું પ્રમાણપત્ર જમા કરાવવું પડશે. રેવન્યુ ઈન્ચાર્જ આવા અરજીકર્તાઓને પ્રમાણપત્ર ફાળવી શકશે. જ્યારે જિલ્લાના નાયબ કમિશનર અપીલ અધિકારી હશે.
કલમ ૩૭૦ અને ૩૫-એ નાબૂદી બાદ એવા કેસમાં મુશ્કેલી આવી રહી હતી જેમાં ડોમિસાઈલ પ્રમાણપત્ર ધારક સાથે લગ્ન કરવા છતા ડોમિસાઈલ નહોતું મળી રહ્યું. અન્ય રાજ્યની યુવતીઓ જે લગ્ન બાદ જમ્મુ કાશ્મીરમાં રહે છે તેમના માટે સ્પષ્ટ નિયમો નહોતા. કારણ કે, સામાન્ય કેસમાં ડોમિસાઈલ પ્રમાણપત્ર મેળવવા માટે ૧૫ વર્ષ સુધી જમ્મુ કાશ્મીરમાં રહેવું ફરજિયાત છે. તે સિવાય સરકારી કર્મચારીઓ અને તેમના બાળકો માટે જાેગવાઈ છે.
ભારતીય બંધારણની કલમ ૩૫-એ જમ્મુ કાશ્મીરની વિધાનસભાને પોતાના નાગરિક પરિભાષિત કરવાનો અધિકાર આપતી હતી. તે અંતર્ગત જમ્મુ કાશ્મીરના નાગરિકોને રોજગારી અને સંપત્તિના વિશેષ અધિકારો હતા. સૌથી વધારે મુશ્કેલી એવી મહિલાઓને પડી રહી હતી જેમના લગ્ન અન્ય રાજ્યોમાં થતા હતા. તે મહિલાઓના બાળકોને જમ્મુ કાશ્મીરમાં સંપત્તિ અથવા નોકરીના અધિકાર નહોતા મળતા. કલમ ૩૭૦ની સાથે કલમ ૩૫-એ પણ નાબૂદ કરવામાં આવી હતી પરંતુ હજુ પણ અનેક વિસંગતિઓ અનુભવાઈ રહી હતી.