મહિલા પાસેથી સોનાના દાગીના ભરેલો થેલો લુંટી રીક્ષાચાલક ફરાર
મેમ્કો ચાર રસ્તા ટોરેન્ટ પાવર સ્ટેશનના ગેટ નજીક રાત્રિના સમયે બનેલી ઘટના |
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે જેના પરિણામે વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે પરંતુ પોલીસની નિષ્ક્રિયતાના કારણે અમદાવાદ શહેરમાં ખુલ્લેઆમ શટલ રીક્ષાઓ ચાલી રહી છે જેની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલું જ નહી પરંતુ પોલીસની નિષ્ક્રિયતાના કારણે લુંટારુ ટોળકીઓ તેનો લાભ ઉઠાવી રહી છે. શહેરના મેમ્કો વિસ્તારમાં રાત્રિના સમયે એક પરિણીતા રીક્ષામાંથી ઉતરતી હતી.
ત્યારે રીક્ષાનો ચાલક મહિલાનો સોનાના દાગીના ભરેલો થેલો લુંટીને પલાયન થઈ જતાં સનસનાટી મચી ગઈ છે મહિલાએ બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા પરંતુ રીક્ષા ચાલક ફુલ સ્પીડમાં ભાગી છુટયો હતો. આ ઘટનાથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના મેમ્કો, નરોડા, નારોલ સહિતના વિસ્તારોમાં આવી ઘટનાઓ ચોંકાવનારી રીતે વધી રહી છે. પરંતુ પોલીસતંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો આક્ષેપ પણ થઈ રહયો છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના નરોડા રોડ પર મેમ્કો નજીક કુબેશ્વર મહાદેવ મંદિર પાસે અવિનાશ સોસાયટીમાં રહેતી જીગ્નાબેન બ્રિજેશકુમાર મકવાણા ગઈકાલે રાત્રિના સમયે રીક્ષામાં બેસી મેમ્કો ચાર રસ્તા પાસે ટોરેન્ટ પાવરના ગેટ પાસે આવી હતી. જીગ્નાબેન રીક્ષામાંથી ઉતરતા હતા તે વખતે રીક્ષાનો ચાલક જીગ્નાબેન કશું સમજે તે પહેલા જ તેઓના હાથમાંથી થેલો ઝુંટવીને ભાગી છુટયો હતો.
જીગ્નાબેને બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતાં અને કેટલાક લોકોએ રીક્ષાનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંધારાનો લાભ ઉઠાવી રીક્ષા ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જીગ્નાબેન ખુબજ ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી જેના પરિણામે તેઓ પણ દોડી આવ્યા હતાં.
રીક્ષામાંથી ઉતરતી વખતે જીગ્નાબેનનો થેલો લુંટી રીક્ષાચાલક ફરાર થઈ જતા તેમને લઈ તેમના પરિવારજનો શહેરકોટડા પોલીસ સ્ટેશને પહોચ્યા હતા અને ત્યાં સમગ્ર હકીકત જણાવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં. જીગ્નાબેને જણાવ્યું હતું કે થેલામાં તેમનો સોનાનો હાર, સોનાની બુટ્ટી નંગ-ર, સોનાની લકી, સોનાની વીંટી, ચાંદીની પાયલ, ચાંદીનો જુડો, ચાંદીના સાંકળા સહિતના ઘરેણા હતાં જે તમામ રીક્ષા ચાલક લુંટીને ફરાર થઈ ગયો છે.
જીગ્નાબેનની ફરિયાદના આધારે શહેરકોટડા પોલીસે ગુનો દાખલ કરી આ અંગેની તપાસ પોલીસ સબ ઈન્સ્પેકટર પી.જે. પટેલ ચલાવી રહયા છે. આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે.