મહિલા મિત્ર સાથેના અંગત પળોના ફોટા અને વિડિયો યુવતીના પરિવારજનોને મોકલી બદનામ કરતો હતો

પ્રતિકાત્મક
વીડિયો વાયરલ કરી બદનામ કરનાર યુવકની ધરપકડ કરાઈ
અમદાવાદ, અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે. જે મહિલા મિત્ર સાથેના અંગત પળોના ફોટા અને વિડિયો યુવતીના પરિવારજનોને મોકલી બદનામ કરતો. પકડાયેલા આરોપીની પોલીસે રાણીપ વિસ્તારમાંથી ધરપકડ કરી છે.
બનાવ અંગે નોંધાયેલ ફરિયાદની હકીકત એવી છે કે, યુવક યુવતી થોડાક વર્ષ પ્રેમ સંબંધમાં હતા જાે કે બાદમાં યુવતી ઓસ્ટ્રેલિયા વધુ અભ્યાસ માટે ગઈ હતી. તે સમય દરમ્યાન બંને વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. જેથી યુવતીએ યુવકને ફોનમાં બ્લોક કરી દેતા અદાવત અને દાઝ રાખીને આરોપી યુવકે યુવતીના પરિવારજનોને બંને વચ્ચેના શારીરિક સંબંધોના ફોટોગ્રાફ્સ તથા વિડીયો મોકલી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.
આરોપીએ એવી માંગણી પણ કરી હતી કે, જાે તેને નહીં કરે તો હજી બીજા અન્ય વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની પણ ચીમકી આપી હતી. જેના કારણે યુવતી અને તેના પરિવારના લોકો ગભરાયા હતા.
આરોપી યુવકની આ હકરતથી કંટાળીને યુવતીએ પરિવારજનોને સમગ્ર બનાવની જાણ કરી હતી. જે બાદમાં પરિવારજનો હિંમત આપતા યુવક વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે, સાઇબર ક્રાઇમ પોલીસે ન્યુ રાણીપ વિસ્તારમાંથી પાર્થ ચાંપનેરી નામના શખશની ધરપકડ કરી ફોન કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે.