મહિલા સહીતના દેણદારોના ત્રાસથી કંટાળી સોની વેપારીનો આપઘાત
સુરત, શહેરનાં કરણસિંહજી મેઈન રોડ ખાતે આવેલ યશ રેસીડેન્સી એપાર્ટમેન્ટનાં બ્લોક નંબર ૧૦૩માં રહેતા અને સોનાના દાગીનાનું કામ કરતા રમેશ મોરારજીભાઈ લોઢીયા (ઉ.વ.૪૭)એ ઘરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. તેની પાસેથી જે સ્યુસાઈડ નોટ મળી છે તેના પરથી એવું ખુલ્યું છે કે, તેણે મહિલા સહીત આઠ આરોપીઓને એકાદ કરોડની રકમ આપી હતી.
જે પરત આપવાનાં બદલે આરોપીઓ તેને ધાક ધમકી આપતા હોવાથી ડરી જઈ આત્મઘાતી પગલું ભરી લીધું હતું.
સામાન્ય રીતે લેણદાર કે વ્યાજખોરનાં ત્રાસથી દેણદાર આપઘાત કરતા હોવાના બનાવો બને છે. પરંતુ આ કિસ્સામાં ઉલ્ટુ થયું છે. રમેશભાઈએ આરોપીઓને રકમ આપી હતી. એટલે કે તે લેણદાર હતાં. આમ છતાં તેને આપઘાત કરવો પડયો હતો.
મુળ કોટડાસાંગાણીનાં રમેશભાઈ સોના-ચાંદીના દાગીનાનું કામ કરતા હતાં. ૧૪ વર્ષ પહેલા વૈરાગીબેન (ઉ.વ.૩૧)સાથે લવ મેરેજ કર્યા હતાં. દામ્પત્યજીવન દરમિયાન પુત્રી કાવેરી (૧૨)અને પુત્ર રૂદ્ર (૫)ની પ્રાપ્તી થઈ હતી.
પત્ની સાથે મનમેળ નહી થતા બે વર્ષથી એકલા યશ રેસીડન્સીમાં રહેતા હતાં.જયારે વૈરાગીબેન બન્ને સંતાનો સાથે હુડકો કવાટર નજીકના અરવિંદભાઈ મણીયારનગર શેરી નંબર – ૨૧માં રહેતા હતાં. પરિવારનું ગુજરાન ચલાવવા ઘર પાસેથી મારૂતી જવેલર્સ નામે સોના-ચાંદીનાં દાગીનાનો વેપાર કરતા હતાં.
ગઈકાલે રમેશભાઈને પુત્રી કાવેરીએ ફોન કર્યો હતો. પરંતુ તે રીસીવ થયો ન હતો. એટલું જ નહીં બે દિવસથી સંતાનોને મળવા પણ ગયા ન હતાં. જેને કારણે ગઈકાલે સાંજે વૈરાગીબેન પરિવારનાં સભ્યો સાથે પતિના ફલેટે પહોંચ્યા હતાં. પરંતુ બેડરૂમનો દરવાજાે નહી ખુલતા પોલીસને જાણ કરી હતી.
થોડીવારમાં પોલીસ અને ફાયરબ્રીગેડનો સ્ટાફ પહોંચી ગયો હતો. બેડરૂમનો દરવાજાે તોડીને જાેતા પલંગપરથી રમેશભાઈ મૃતહાલતમાં મળી આવ્યા હતાં. એટલું જ નહીં તેની લાશ પણ કોહવાઈ ગઈ હોવાથી કેટલાક દિવસો પહેલા મોત નિપજ્યાનું તારણ નિકળ્યું હતું. તેની લાશ પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી.
ગઈકાલે સ્થળ પર જરૂરી કાર્યવાહી કર્યા બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં ખસેડયો હતો. જયાં ફોરેન્સીક નિષ્ણાંત તબીબોએ આજે પોસ્ટમોર્ટમ કરતા ઝેરી દવા પીવાથી મોત થયાનું ખુલ્યું હતું. મોડી સાંજે પોલીસે તેના પત્ની વૈરાગીબેનની ફરીયાદ પરથી સ્સુસાઈડ નોટમાં જણાવાયેલા આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.
૧૧ પાનાની સ્યુસાઈડ નોટ મુજબ રમેશભાઈએ સોના-ચાંદીના દાગીનાનું કામ કરતા શોભનાબા અને તેના પતિ કૃષ્ણસિંહને કટકે કટકે રૂા. ૭૫ લાખ આપ્યા હતાં. જે રકમ આ બન્ને પરત આપતા ન હતાં. એટલું જ નહીં આ બન્નેએ રમેશભાઈને રૂા. ૩૭ લાખનાં સોનાના પડીકા પણ આપ્યા હતાં. જે રમેશભાઈએ બેંકમાં મુકી રૂા. ૨૧ લાખ અને પોતાનાં સગાઓ પાસેથી ૧૬ લાખ મળી કુલ ૩૭ લાખ શોભનાબાને આપ્યા હતાં.
હવે બેંકમાં ગીરવે મુકેલા સોનાના પડીકા પૈસા ભર્યા સીવાય મળે તેમ ન હતાં. આમ છતાં શોભનાબા અને તેનો પતિ કૃષ્ણસિંહ કોઈપણ હિસાબે દાગીના પરત આપવાનું કહેતા હતાં. આ માટે સતત દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતાં. એટલું જ નહીં ત્રીજા આરોપી મુન્ના (સાઢવાયાવાળા)પણ રમેશભાઈએ પોતાના હાથે લખેલી ડાયરીમાના ૩૭ લાખનાં લખાણ બાબતે તેને વ્યાજનો ધંધો કરો છો તેવી ફરીયાદ કરવાની છાશવારે ધમકી આપતો હતો.
અધુરામાં પુરૂ શોભનાબા અને તેનો પતિ આ ૩૭ લાખનું સોનુ પાછુ આપી દેવાનું અને પોતે લીધેલા ૭૫ લાખ ભુલી જવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપવાની સાથો સાથ છોકરાને ઉપાડી જવાની પણ ધમકી આપતા હતાં. પરિણામે રમેશભાઈએ ગભરાઈ જઈ આત્મહત્યા કરી લીધી હતી.
એ.ડીવીઝન પોલીસે શોભનાબા, તેના પતિ કૃષ્ણસિંહ પ્રતાપસિંહ રાયજાદા, કૃષ્ણસિંહના ભાઈ દિલીપસિંહ, તેની પત્ની દિવ્યાબેન, પુત્ર ધનરાજસિંહ, મુન્ના, જગ્ગુ, (કાલંભડી), અને ભુપત ઉર્ફે ભોય વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેમાંથી પાનની દુકાન ધરાવતા કૃષ્ણસિંહ અને કડીયાકામ કરતા તેના ભાઈ દિલીપસિંહ (રહે, બન્ને, આશાપુરાનગર, શેરી નંબર-૧૬, હુડકો પાછળ)ની અટકાયત કરી હતી.HS