મહિલા સાથે અફેરની શંકામાં યુવાનની ક્રૂરતાપૂર્વક હત્યા
સુરેન્દ્રનગર: માનવીની ક્રૂરતા કેટલી હદે જઈ શકે છે તેનો પુરાવો આપતો એક કિસ્સો ગુજરાતમાં બન્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામમાં ૩૨ વર્ષના એક યુવાનની મહિલા સાથે અફેરની આશંકાએ અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે.
પોલિસના જણાવ્યા મુજબ યુવાનની ઓળખ દશરથ કાળુભાઈ ઠાકોર તરીકે થઈ છે. તેના ભાઈ ભૂપતે ત્રણ વ્યક્તિઓ સુરેશભાઈ ભુવા, લાલાભાઈ ભુવા અને વિક્રમભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે. પોલિસે વધુમાં જણાવ્યુ કે આરોપીઓને શંકા હતી કે દશરથ નામના આ યુવાનને તેમની બહેન સાથે અફેર હતુ. મોડી રાતે તેમણે દશરથને કોઈ કામ માટે મળવા બોલાવ્યો અને નદી કિનારે લઈ ગયા.
આરોપીઓ દશરથને નારીચણાની નદીના પટમાં લઈ જઈને અમારી બહેન સાથે કેમ વાત કરે છે તેમ કહી લાકડી અને હથોડા સાથે તેના પર તૂટી પડ્યા. આશરે ત્રણ કલાક સુધી તેને માર્યો અને ઘટના સ્થળે મરવા માટે છોડી દીધો. ગંભીર ઈજા સાથે દશરથને ધાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો પરંતુ તેનો મોત થઈ ચૂક્યુ હતા.
ક્રૂરતાપૂર્વક થયેલી હત્યા બાદ વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો હતો. કોઈ અણબનાવ ન બને તે માટે નારીચાણામાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલિસે ત્રણ ટીમ બનાવીને ત્રણે આરોપીઓઓ ભાગી જાય તે પહેલા નારીચાણામાંથી જ તેમને ઝડપી પાડ્યા હતા અને ત્રણેય સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.