મહિલા સુરક્ષા અભિયાન હેઠળ ભરૂચમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: રૂપાણી સરકારના ૫ વર્ષ પૂર્ણ થતા સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યુ છે.ઉજવણી ના ચોથા દિવસે સરકાર મહિલાઓની સુરક્ષા કરવામાં સદંતર નિષ્ફળ નિવડી હોવાના આક્ષેપ સાથે ભરૂચના ઝાડેશ્વર ચોકડી નજીક કોંગ્રેસના મહિલા મોરચા અને કોંગ્રેસના આગેવાનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર મહિલાઓની સુરક્ષા કરવામાં સદંતર નિષ્ફળ નિવડી હોવાના આક્ષેપ સાથે ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂકવા સાથે રસ્તા રોકો આંદોલન છેડ્યું હતું.જેના પગલે પોલીસે મહિલા મોરચાની મહિલાઓ સહિત કોંગી કાર્યકરો ની અટકાયત કરી હતી.
ભરૂચ જીલ્લામાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળ વચ્ચે ગરીબ અને મધ્યમવર્ગના લોકોની હાલત દયનીય બની હતી અને હજુ કોરોના કાળ ચાલી રહ્યો છે.ત્યારે સરકાર દ્વારા પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.જેની સામે ગુજરાત ભરમાં કોંગ્રેસ દ્વારા પણ રસ્તા પર ઉતરી વિરોધ કાર્યક્રમોના આયોજન કરાયા છે.
ત્યારે ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક સરકાર દ્વારા થઈ રહેલી મહિલા દિવસની ઉજવણીની સામે મહિલાઓની સુરક્ષા કરવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સામે સરકારના મહિલા દિનની ઉજવણીના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચો તથા કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારોએ હાથ માં પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરતા નિષ્ફળતાઓની ઉજવણી શરમ કરો રૂપાણી મહિલાઓની સુરક્ષા કરોના સૂત્રોચાર સાથે મહિલા કોંગ્રેસીઓ અને કાર્યકરો હોદ્દેદારોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.જેના પગલે પોલીસ સાથે સઘર્ષ થવા પામ્યું હતું અને કોંગ્રેસીઓની ટીંગાટોળી કર પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી હતી.
વિરોધ પ્રદર્શનમાં જીલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,શહેર પ્રમુખ વિક્કી સોખી,મહિલા મોરચા પ્રમુખ જ્યોતિબેન તડવી,યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ,ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષ ના નેતા સમશાદઅલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા.