મહિલા PSIની વધુ રિમાન્ડની અરજી ફગાવી, જેલમાં મોકલાઈ
અમદાવાદ, બળાત્કાર કેસના આરોપી અને જીએસપી ક્રોપ સાયન્સના એમડી પાસેથી રૂ. ૩૫ લાખનો તોડ કરવા મામલે પકડાયેલ આરોપી મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાના વધુ ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. ત્યાર બાદ આરોપી પીએસઆઈ શ્વેતા જાડેજાને જ્યુડિશિયલ ક્સ્ટડી સાબરમતી જેલમાં મોકલી આપી હતી. જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના એમડી કેનાલ શાહ વિરુદ્ધ ૨૦૧૭માં મહિલા કર્મચારીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
જે કેસમાં કેનાલ શાહ પાસેથી વીસ લાખ રોકડ લેવામાં આવ્યા હતા અને પીએસઆઈ દ્વારા ખરીદવામાં આવેલ મોબાઈલ કેનાલ શાહની કંપનીમાંથી ચુકવવામાં આવ્યો હતો. એસઓજી દ્વારા પીએસઆઈ શ્વેતા જાડેજાના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જો કે, પોલીસે ત્રણ દિવસની તપાસ દરમ્યાન આરોપી પીએસઆઈ પાસેથી મોબાઈલ કબજે લીધો છે. આજે એસઓજી દ્વારા પીએસઆઈના વધુ ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.જેમાં વીસ લાખ આંગડિયામાં શ્વેતાના બનેવી દેવન્દ્ર આડેદરાએ સ્વીકાર્યા હતા તે બાબતે તેની હાજરીની જરૃર છે.
આરોપી પાસેથી કબજે લીધેલ મોબાઈલ અંગે કેવી રીતે નાણાં ચૂકવ્યા હતા તેની તપાસ કરવાની છે. નોકરી દરમ્યાન મેળવેલ આર્થિક લાભનું રોકાણ કર્યા કર્યુ હતુ તેની તપાસ કરવાની છે. આરોપીના સગાના નામે મિલ્કત ખરીદી છે કે કેમ તેની તપાસ કરવાની છે. જો કે રિમાન્ડ અરજીમાં નવા કોઈ કારણો નહીં જણાતા કોર્ટે રિમાન્ડ અરજી ફગાવીને પીએસઆઈ શ્વેતા જાડેજાને સાબરમતી જેલમા મોકલી આપી હતી.
એસઓજી દ્વારા તપાસ દરમ્યાન ફરિયાદી દ્વારા ખરીદીને પીએસઆઈને મોબાઈલ આપ્યો હતો તે કબજે લેવામાં આવ્યો છે. જો કે, વીસ લાખના તોડ મામલે તપાસનીશ એજન્સી દ્વારા કોઈ રોકડ રકમ કબજે લેવામાં આવી નથી. બીજી તરફ પીએસઆઈ શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર આડેદરા વીસ લાખ લઈ ગયા હોય એસઓજી દ્વારા તેમની તપાસ આદરવામાં આવી હોવાનું કોર્ટને જણાવ્યુ હતુ. દરમ્યાનમાં આરોપી પીએસઆઈ શ્વેતા જાડેજા દ્વારા જામીન અરજી મુકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.