મહિસાગર જિલ્લાવાસીઓને કોરોના સંકટ વેળાએ કોરોના યોદ્ધાઓને સાથ-સહકાર આપી મદદરૂપ થવા અપીલ કરતા નેહા કુમારી
લુણાવાડા, વૈશ્વિક મહામારી કોરોના સંકટ કાળમાં મહિસાગર જિલ્લામાં અગ્રેસર રહી જિલ્લામાં આવેલ કોરોના સંકટને નામશેષ કરવાની કામગીરી કરતા કોરોના યોદ્ધાઓને પ્રોત્સાહન આપવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીએ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આરોગ્યતંત્રના આરોગ્ય કર્મયોગીઓની સરાહનીય કામગીરીની પ્રશંસા કરતા તમામ કોરોના યોદ્ધાઓનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે કોરોના યોદ્ધાઓને પોતાની કાળજી રાખવા પણ સંવેદના પ્રગટ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મહિસાગર જિલ્લા વાસીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, કોરોના સંદર્ભે આરોગ્ય કર્મચારીઓ આવે ત્યારે તેમને પુરતો સાથ-સહકાર આપી તેમના કામમાં મદદરૂપ બની સહભાગી બનીએ.સૌસાથે મળી કોરોના સામે જંગ લડવાનો છે. ત્યારે સૌ નાગરિકો નાનામાં નાની વાતની કાળજી લઈ સામાજિક અંતર જાળવીએ,માસ્કનો ફરજીયાત ઉપયોગ કરીએ, સાબુથી વારંવાર હાથ ધોઈએ, આ તમામ બાબતોનું ધ્યાન રાખવું આપણા માટે અત્યારે ઘણુંજ મહત્વનું છે.
વધુમાં જણાવ્યું કે, દરેક પ્રજાજનોએ કોરોનાથી સાવચેત રહેવા માટે પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરે અને તેનો ઉપયોગ કરે છે જેથી આવેલ કોરોનાસંકટને ટાળી શકાય. જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાના પ્રજાજનોને તેમના સારા આરોગ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.