મહીલા પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ ષડયંત્રમાં વધુ એક મહીલા કોન્સ્ટેબલ ઝડપાઈ

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ખુબ જ ચકચારી એવા મહીલા પોલીસ સ્ટેશન ખાતે થતાં હનીટ્રેપના ષડયંત્રમાં ક્રાઈમબ્રાંચે વધુ એક મહીલા કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. પકડાયેલી મહીલા હેડ કોન્સ્ટેબલ પાસે અરજી આવ્યા બાદ તે ભોગ બનનાર નાગરીકોને ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવ્યા બાદ સમાધાન કરવા દબાણ કરતી હતી.
અમદાવાદમાં હાલમાં જ બનેલા તથા ખુબ ચગેલા પ્રકરણ એવા હનીટ્રેપમાં પુર્વ તત્કાલીન મહીલા પોલીસ ઈન્સ્પેકટર ગીતા પઠાણ સહીત છ પોલીસ કર્મચારીઓ સકંજામાં આવ્યા હતા આ ષડયંત્રની તપાસ હાલમાં પણ ચાલુ છે ત્યારે તપાસ અધિકારી પી.બી. દેસાઈની ટીમે આ ઘટનામાં સંડોવાયેલી વુમન ેહેડ કોન્સ્ટેબલ શારદાબેન નાનજીભાઈ ખાંટની પણ અટક કરી છે.
શારદાબેન પુર્વ મહીલા પોલીસ સ્ટેશનમાં રાઈટર હેડ તરીકે કાર્યરત હતા અને પોલીસ સ્ટેશનમાં આવતી અરજીઓ જાેવાની ચઢાવવાની તથા પીઆઈને ધ્યાને મુક્યા બાદ જે તે તપાસ અધિકારીને સોંપવાની કામગીરી કરતા હતા. આ ષડયંત્રમાં સામેલ શારદાબેન અરજી આવતા જ હનીટ્રેપમાં ફસાયેલા વ્યક્તિઓને બોલાવીને સમાધાન કરવા માટે દબાણ કરતા હતા.
અત્રે નોંધનીય છે કે અગાઉ પકડાયેલા મહીલા પીઆઈ સહીતના છ આરોપીઓ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે અને વધુ વ્યક્તિઓની સંડોવણી ખુલી શકે છે. બીજી તરફ હની ટ્રેપ વધુ થયા હોવાની શક્યતા છતાં અન્ય ભોગ બનનાર આગળ ન આવતા ક્રાઈમબ્રાંચ અગાઉની ૪ અરજીઓને આધારે તપાસ કરી રહી છે.