મહીસાગરમાં એક વરસાદે ૩ કરોડનો રોડ ધોઈ નાખ્યો
કોન્ટ્રાક્ટરો હલકી ગુણવત્તાનું કામ કરતા હોવાની રાવ સાથે આજુબાજુના ગ્રામજનોએ તંત્રને રજૂઆત કરી હતી
મહીસાગર ,કોઇ પણ કોન્ટ્રાકટના કામમાં ગેરરીતિ આચરી મલાઈ તારવી લેવામાં માહિર કોન્ટ્રાકટરના પાપે સરકાર દ્વારા અપાતી સુવિધાઓ અલ્પજીવી સાબિત થઇ રહી છે. ભૂતકાળમાં આવા કોન્ટ્રાકટરના અનેક વખત ભોપાળા છતાં થયા છે. તેવામાં ભ્રષ્ટાચારના બોલતા પુરાવારૂપ વધુ એક કિસ્સો મહીસાગરમાં સામે આવ્યો છે.
મહીસાગરમાં ગજબ તો ત્યારે થઇ ગયો જ્યારે સાડા ત્રણ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ રોડનું કામ પૂર્ણ થાય તે પહેલા જ રોડના ધોવાણની શરૂઆત થઇ ગઈ છે! પ્રથમ વરસાદે કરોડોના ખર્ચે બનેલ નવોનક્કોર રોડ ધોઈ નાખતા કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. બીજી તરફ પ્રજાના પરશેવાની કમાણી કટકટાવતા આવા કોન્ટ્રાકટર સામે લોકોમાં આક્રોશનો જ્વાળા ભભૂકી રહ્યો છે.
મહીસાગરમાં કોઠંબા વિસ્તારમાં સાડા ત્રણ કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ચોમાસાના પ્રારંભે ત્રાટકેલા સામાન્ય વરસાદની થપાટે કૌચિયા ગુણેલી સુધીનો રોડ ધોવાઇ ગયો હતો. સામાન્ય વરસાદે જ રોડને ધોઈ નાખતા હાલ રોડની બંને સાઈડમાંથી માટી નીકળી રહી છે. આ ઉપરાંત એક જ વરસાદમાં રોડની સાઈડમાં ભૂવા પાડવા લાગ્યા છે જે, રોડના કામમાં ગેરરીતિ થયાની ચાડી ખાઇ રહ્યા છે.
કોન્ટ્રાક્ટરોની હલકી ગુણવત્તાના કામ અને અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોની મિલિભગતના પરિણામ સ્વરૂપે જ ૩ કરોડનો રોડ ૩ મહિના પણ ન ચાલ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પુલના એપ્રોચ પર પણ હલકી ગુણવત્તાની કામગીરી અને પુલની મજબૂતાઈ માટેના મટીરીયલનો ઉપયોગ ન થયો હોવાની પણ ફરિયાદ ઉઠી છે.
કોન્ટ્રાક્ટરો હલકી ગુણવત્તાનું કામ કરતા હોવાની રાવ સાથે આજુબાજુના ગ્રામજનોએ તંત્રને રજૂઆત કરી હતી વધુમાં કોન્ટ્રાકટરોએ નીતિ, નિયમ નેવે મૂકીને આડેધડ કામગીરી કરી જરૂરી મટીરીયલનો ઉપયોગ ન કર્યો હોવાની પણ ધગધગતી રજુઆત કરવા છતા જવાબદાર અધિકારીઓએ રજૂઆતને ન ગણકારી આંખ આડા કાન કર્યા હતા.
જે અંગેના સ્થાનિક લોકો આરોપ લગાવી રહ્યા છે.એટલું જ નહી તંત્રના અધિકારી અને કોન્ટ્રાકટરની મિલીભગત હોવાની પણ ચર્ચા જાગી છે.SS3KP