મહીસાગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટેની જિલ્લાકક્ષાની સ્પે.ખેલ મહાકુંભ-૨૦૨૨ અંતર્ગતની સ્પર્ધાઓ યોજાઈ

૪૦૦ જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ રમતમાં ભાગ લઈ કૌવત દેખાડ્યું
જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષકુમારે ઉપસ્થિત રહીને દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા.
લુણાવાડા,ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી મહીસાગર દ્વારા ખેલ મહાકુંભ-૨૦૨૨ અન્વયે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પે.ખેલ મહાકુંભમાં શારીરિક ક્ષતિની સ્પર્ધા વેદાંત સ્કૂલ, લુણાવાડાના મેદાન ખાતે યોજાઇ હતી. આ સ્પર્ધાની શરૂઆતમાં જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષકુમારે ઉપસ્થિત રહી દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. ચેસના ખેલાડાઓ સાથે ચર્ચા કરી તેમની રમત નિહાળી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, દિવ્યાંગ સ્પર્ધકો પણ સામાન્ય ખેલાડીઓની જેમ રમત રમી શકે છે અને તેમની કુશળતા નિદર્શિત કરી શકે તે માટે ખેલ મહાકુંભ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓ પ્રોત્સાહક સાબિત થઈ રહી છે.
મહીસાગર જિલ્લાના ખેલાડીઓ તેમાં સારામાં સારું પ્રદર્શન કરીને જિલ્લાનું નામ રોશન કરશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી મહીસાગર જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૨ અન્વયે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ તેમા ૪૦૦ જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લઈ રમતોમાં તેમની કુશળતાનું કૌવત દેખાડ્યું હતું.
આ ખેલ મહાકુંભમાં જિલ્લા રમતગમત અધિકારી શ્રી મયુરીબેન તથા રમતગમત સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ અને સ્પર્ધકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.