મહીસાગરમાં ફરીવાર વાઘ દેખાયાની ચર્ચા

પંજાના મળેલા નિશાન વાઘના નહીં હોવાની જાહેરાત કરાઇ
અમદાવાદ, મહીસાગર જિલ્લામાં ફરી એક વાર વાઘ દેખાયાની ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ વનવિભાગે જંગલમાં વાઘ હોવાનો દાવો નકાર્યો છે. મહિસાગરના ડીએફઓ આર.ડી.જાડેજાએ તેની પુષ્ટી કરી છે કે, કંતારના જંગલમાં એક ઝાડ પર જે પંજાના નિશાન જોવા મળ્યા તે વાઘના નથી. તેમણે એમ પણ કહ્યું કે, કંતારથી સંતના જંગલમાં લગભગ ૫૫ કિલોમીટર વિસ્તારમાં તપાસ કરવામાં આવી છે પરંતુ ક્યાંય વાઘના નિશાન દેખાયા નથી.
ત્રણ જગ્યાએ દીપડાના નિશાન મળ્યા છે. જા કે, નાઈટ વિઝન કેમેરા લગાવાશે. તેનાથી ચોક્કસ માહિતી મળી શકશે. તંત્ર દ્વારા વાઘની ખરાઇ માટે તપાસ જારી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ એક વર્ષ પહેલા આ જગ્યાએથી વાઘનો મૃતદેહ મળ્યો હતો અને આજે તે જ જગ્યા પર ફરી વાઘના સંકેત હોવાના નિશાન મળ્યાં છે પરંતુ આ વખતે વાઘ હોવાનો દાવો વનવિભાગે નકાર્યો છે.
સને ૧૯૭૯માં ગુજરાતમાં છેલ્લે વાઘ દેખાયો હતો. ૨૭ વર્ષ બાદ ગુજરાતમાં મહિસાગરના જંગલોમાં વાઘ દેખાયો છે. ગુજરાતને જાણે પ્રકૃતિની ભેટ મળી છે. લુણાવાડાના ગઢ ગામ પાસે એક પ્રાથમિક શિક્ષકે વાઘને જંગલમાં જોયો હતો અને તેની તસ્વીર પણ લીધી હતી. આ ઘટના બાદ રાજ્યના વન વિભાગના ૨૦૦ કર્મચારીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું જેમાં નાઇટવિઝન કેમેરામાં વાઘે દેખા દીધી હતી. જા કે, બાદમાં આ વાઘનું મોત થયું હોવાની દુઃખદ વાત પણ સામે આવી હતી.
નોંધનીય છે કે, દિપડા,સિંહ અને વાઘ હોય તેવુ ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું હતું. વર્ષ ૨૦૧૪માં નેશનલ ટાઇગર કન્ઝર્વેશન સોસાયટીએ કરેલી ગણતરી મુજબ ભારતમાં વાઘની સંખ્યા ૨૨૨૬ હતી. સૌથી વધુ વાઘ કર્ણાટકમાં ૪૦૬,ઉત્તરાખંડમાં ૩૪૦ અને મધ્યપ્રદેશમાં ૩૦૮ વાઘ છે. ગુજરાતમાં વર્ષ ૧૯૭૯માં છેલ્લે ડાંગમાં ભેસ ખત્રિયામાં વાઘ જોવા મળ્યો હતો. તે વખતે આ વિસ્તારમાં નવ જેટલા વાઘ હોવાનુ કહેવાય છે. વર્ષ ૧૯૯૨માં ગુજરાતમાં ગણતરી થઇ ત્યારે એકેય વાઘ દેખાયો ન હતો.