Western Times News

Gujarati News

મહીસાગરમાં સખીમંડળ જુથોને ૨૪૩ લાખનું ધિરાણ કરાયું

બેંકના સહયોગથી સખીમંડળની બહેનોનું સાચા અર્થમાં સશકિતકરણ થયું છે સખીમંડળ દ્વારા ગામડાની બહેનોના સુખના દિવસ આવ્યા છે

ઉચ્ચ શિક્ષણ રાજય મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોર મહીસાગર જિલ્લામાં ૨૧૯ સખીમંડળ જુથોને રૂા. ૨૪૩ લાખનું ધિરાણ કરવામાં આવ્યું

લુણાવાડા,ગાંધીનગરની ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અને મહીસાગર-લુણાવાડાની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દિનદયાલ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સ્વસહાય જુથો માટે મહીસાગર જિલ્લાની સખી મંડળોને આર્થિક રીતે પગભર બનાવી બહેનોનું સશકિત કરણ કરવાના ભાગરૂપે આજે લુણાવાડા ૪૨ પાટીદાર સમાજ ઘર ખાતે જિલ્લાના ૨૧૯ સખી મંડળોને વિવિધ બેંકના ક્રેડીટ કેમ્પ દ્વારા મંજુર કરવામાં આવેલ રૂા. ૨૪૩ લાખના ધિરાણના ચેક રાજયના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજય મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોર, લુણાવાડાના ધારાસભ્ય શ્રી જીજ્ઞેશભાઇ સેવક અને મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત જિલ્લાની ૩૯૬ સખીમંડળોના જુથોની અરજીઓ મંજૂર કરવામાં આવી હતી.જેને આગામી દિવસોમાં ધિરાણ કરવામાં આવશે.ઉચ્ચ શિક્ષણ રાજય મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોરએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી સખીમંડળ દ્વારા ગામડાની બહેનોને પગભર બનાવી છે તેમ જણાવી સખીમંડળ દ્વારા ગામડાની બહેનોના સુખના દિવસ આવ્યા છે, ગામડાની બહેનો મહેનત કરે છે તેનું પરિણામ હવે મળ્યું છે. બહેનો પગભર બની છે.

પોતાના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ બને છે. બહેનો બેંક મિત્ર તરીકે ફરજ બજાવીને અન્ય મહિલાઓને પણ બેંક દ્વારા આપવામાં આવતી લોન અંગેની જાણકારી આપે છે. અને ગામડાની મહિલાઓ હવે બેંકમાં જાય છે અને ધિરાણ મેળવે છે અને સ્વરોજગાર દ્વારા આવક મેળવે છે જે સરાહનીય બાબત હોવાનું કહ્યું હતું. શિક્ષણ રાજય મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોરએ મહિલાઓ સાચા અર્થમાં પગભર બની પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ શકે તે માટે પંડિત દિનદયાલના સપનને સાકાર કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ
મોદીએ આરંભેલ આ કાર્યથી પંડિત દિનદયાલ ઉપાધ્યાયનું અંત્યોદયના ઉત્થાનનું સપનું સાકાર થઇ રહ્યું હોવાનું જણાવ્યું હતું.

તેમણે વધુમાં બહેનોને નીતિ સાચી રાખી મહેનત કરશો તો સફળતા જરૂર મળશે તેમ જણાવી સખીમંડળની બહેનોને બેંક દ્વારા લોન આપવામાં આવે છે એટલે તમે પગભર બન્યા છો ત્યારે બેંક તમારે માટે મંદિર છે એટલે બેંકના હપ્તા પણ નિયમિત ભરવામાં આવશે એવી આશા વ્યકત કરી બહેનો તેમના જીવનમાં સફળતાના શિખરો સર કરી પ્રગતિના સોપાનો સર કરતી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

લુણાવાડાના ધારાસભ્ય શ્રી જીજ્ઞેશભાઇ સેવકે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘદ્રષ્ટીના કારણે જે તે સમયે શરૂ કરવામાં આવેલ સખીમંડળોના કારણે આજે ગામડાની બહેનોના ખુશાલીના દિવસો આવ્યા છે, બેંકના સહયોગથી સખીમંડળના બહેનોનું સાચા અર્થમાં સશકિતકરણ થયું હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોને સામૂહિક ધિરાણ વિતરણની સાથે બેન્ક સખી અને સ્વયસહાય જૂથોનું મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોર, ધારાસભ્ય શ્રી જીજ્ઞેશભાઇ સેવક
સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

જયારે સ્વસહાય જૂથની મહિલાઓએ તેમના પ્રતિભાવો વ્યકત કરતાં સખી મંડળમાં જોડાયા બાદ પોતે પગભર બનવાની સાથે પોતાના કુટુંબને હવે આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા હોવાનું જણાવ્યું હતું. સ્વ રોજગાર તાલીમ સંસ્થાના નિયામકશ્રી આર.કે. મકવાણાએ સખીમંડળો બહેનોનો જુસ્સો છે બહેનોમાં જે શકિત છે તેને પ્રારંભમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીએ સૌનો આવકાર કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.ડી.લાખાણી, નાબાર્ડના ડીડીએમશ્રી, લીડ બેન્કના મેનેજરશ્રી, વિવિધ બેંકના મેનેજરશ્રીઓ/અધિકારીશ્રીઓ, સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.આ પ્રસંગે જિલ્લાની વિવિધ સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓની સામગ્રીના પ્રદર્શન સહ વેચાણ કરવા માટેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

જયાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉચ્ચ શિક્ષણ રાજય મંત્રી શ્રી કુબેરભાઇ ડીંડોર, જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. ડી. લાખાણીએ વિવિધ પ્રદર્શન સ્ટોલોની મુલાકાત લઇ જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી બહેનોને પ્રોત્સાહિત કરી અન્યોને બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓની ખરીદી કરવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.