મહીસાગર જિલ્લાનાકડાણા તાલુકાનાના લપાણીયા ગામે ગ્રામ સંવાદ કાર્યક્રમ યોજાયો
લુણાવાડા : મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના લપાણીયા ગામે જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડ અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને અને મહાનુભાવની ઉપસ્થિતિમાં સંતરામપુર અને કડાણા તાલુકાનો ગ્રામ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કલેકટરશ્રી આર.બી. બારડે ખેડૂતોને આવક વધારવા માટે મધપાલન પુરક વ્યવસાય તરીકે અને સુધારેલી ખેતી પધ્ધતી અપનાવવા માટે જણાવ્યું હતું. ખેતી કરવાની અને કિટકો અને જંતુઓને નિયંત્રણમાં લાવવા માટે ખેતી પધ્ધતી વિશે માહિતગાર કર્યા હતા. ઉપરાંત જંગલનું મહત્ત્વ, જંગલ અને ખેતીવાડીનો પરસ્પર સંબંધ, જમીનની ફળદ્રુપતા જાળવવા માટે રસાયણીક ખાતરોનો બિન જરૂરી વપરાશ ટાળવા માટે અનુરોધ કર્યો હતો. જંગલના ફાયદા વિશે જાણકારી આપી હતી. જંગલમાં માટીપાળા,બંધપાળા બનાવી જંગલની જમીન અને પાણીનું સંરક્ષણ કરવા માટે અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીએ બેટી પઢાઓ અને બેટી બચાવો અંતર્ગત, પાલક માતાપિતા યોજના, શૌચાલય બનાવવા અને તેનો ઉપયોગ કરવા તેમજ સમાજસુરક્ષા વિભાગની યોજનાઓ વિશે માહિતી આપી હતી તેમજ બાળકોની સુરક્ષા માટે તકેદારી રાખવા અઝોલા વનસ્પતી વિશે માહિતી આપી હતી. અઝોલા પાણીમાં થતી વનસ્પતી છે જેમાં એનબીલા અઝોલી નામની સહજીવી હોય છે જેનાથી આ વનસ્પતીમાં નાઇટ્રોજન સ્થિર કરવાની શકિત વધારે હોય છે. આ વનસ્પતિ મુખ્યત્વે પશુઆહાર તરીકે ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત તેઓએ ગ્રામ સંગઠનનું મહત્ત્વ અને મલ્ટી એકટર પ્લેટફોર્મ વિશે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જીલ્લા બાળ સુરક્ષા વિભાગના ભાવિષા જોષી, કાળુભાઇ તાવીયાડ, સી. આર.પી પ્રભાતભાઇ, માનસી બાયોવર્મીના મણીભાઇ પટેલ, એફ. ઇ. એસ. ના અશોકભાઈ, ખેતી નિષ્ણાતો, પ્રગતીશીલ ખેડૂતો, જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓએ હાજર રહી વિકાસના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતરામપુર અને કડાણા તાલુકાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.