Western Times News

Gujarati News

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનો ખરીફ કૃષિ મહોત્સવ-૨૦૧૯ બેતાલીસ પાટીદાર સમાજઘર ધોળી, લુણાવાડા ખાતે યોજાયો

લુણાવાડા , મહીસાગર જિલ્લાના ખેડૂત ભાઇ-બહેનોને કૃષિ તેમજ દુધ ઉત્પાદન વધારવા અને વૈજ્ઞાનિક ઢબે ખેતી-પશુપાલન દ્વારા ખેડૂતોની આવકમાં વૃધ્ધિ થાય તે ઉમદા હેતુસર જિલ્લા અને તાલુકા અમલીકરણ સમિતિ, લુણાવાડા દ્વારા બેતાલીસ પાટીદાર સમાજઘર, ધોળી, લુણાવાડા ખાતે ખરીફ કૃષિ મહોત્સવ- ૨૦૧૯ રાજયના રાજ્યકક્ષાના નર્મદા, શહેરી ગૃહ નિર્માણ મંત્રી યોગેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. અધ્યક્ષના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મંત્રી યોગેશભાઇ પટેલ જણાવ્યું કે, આપણા વડાપ્રધાનની નેમ છે કે ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવી છે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના દ્વારા ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦/- રૂપિયા સીધે સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. વધુ ખેત ઉત્પાદન મેળવી શકે તે માટે ખરીફ કૃષિ મહોત્સવોનુ આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ પ્રકારના મેળાઓ દ્વારા કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી મેળવેલ માહિતીનો ખેડૂતો ખેતીમાં સીધે સીધો ઉપયોગ કરી શકે તે માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોના હિતમાં અનેક વિધ પગલા લેવામાં આવેલ છે. વૈજ્ઞાનિક ઢબે સર્ટીફાઇડ બિયારણ-અદ્યતન ખેત પધ્ધતિથી ખેતી કરી ખેડૂતોની આર્થિક સધ્ધરતા વધે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આર.બી.બારડે જણાવ્યું કે, પશુપાલન અને ખેતી એ આપણા જિલ્લાની આવકનો મુખ્ય સ્ત્રોત છે. કૃષિમેળા અંગે જાણકારી આપી ખેતીને વૈજ્ઞાનિક અભિગમ તરફ લઇ જવા અનુરોધ કર્યો હતો. કૃષિ મેળામાંથી વૈજ્ઞાનીકો દ્વારા આપવામાં આવતી માહીતીનો ખેતીમાં ઉપયોગ કરી બમણુ ઉત્પાદન મેળવીએ. આત્મા ધ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવે છે.

આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિક એમ.બી.પટેલે મકાઇની ખેતી વિશે વિસ્તૃત માહિતી આપી વૈજ્ઞાનિક ખેત પધ્ધતિ ખેતીમાં ખાતર-બિયારણ સોઇલ હેલ્થકાર્ડ, લીલો પડવાશ, સેન્દ્રીય ખાતર, વૃક્ષ ઉછેર, સેઢા પાળા પર કરમદા અને ઔષધિય પાકો અંગે જાણકારી ઉછેરવા, બાગાયતી ખેતી, શાકભાજી, ફળ પાકો, ધાન્યપાકો, જમીનના કાર્યક્ષમ ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ફુવારા પધ્ધતિ, રોગ જીવાતોના નિયંત્રણ અંગે માર્ગદર્શન આપી જમીનમાં જુદા જુદા ૧૬ પોષક તત્વો સપ્રમાણ રીતે જળવાય તે માટે છાણિયું ખાતર વર્મી કંપોસ્ટ ખાતરની ભલામણ કરી હતી. આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂત કાળુભાઇ ખેમાભાઇ પટેલે જણાવ્યું કે, સરકાર દ્વારા થતા આવા કૃષિ કાર્યક્રમોથી પ્રેરણા મેળવી આત્મા દ્વારા માહિતી મળતાં ચીલાચાલુ ખેતી બંધ કરી વૈજ્ઞાનિક ખેતી અપનાવી કપાસની ખેતીથી આજે ત્રણ ઘણી આવક મેળવું છું.

આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લાના પ્રગતિશિલ પશુપાલક લીલાબહેન રાયજીભાઇ માછીને તેમજ તાલુકા કક્ષાના શાકભાજી ની ખેતી માટે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સંન્માનિત કરયા હતા.

આ ખરીફ કૃષિ મહોત્સવ ૨૦૧૯ સાથે મોટી ચરેલ ખાતે પશુ આરોગ્ય મેળો યોજાયો હતો. જેની મંત્રી યોગેશભાઇ પટેલે ગાયમાતાનું પુજન પશુ આરોગ્ય મેળાને ખુલ્લો મુક્યો હતો. તેમાં તાલુકામાંથી આવેલ પશુપાલકોના પશુઓને વિવિધ રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું.  સ્વાગત પ્રવચન જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયને અને આભારવિધિ ખેતીવાડી અધિકારી સમીત પટેલે કરી હતી. કન્યા શાળાની બાલીકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું તથા પશુપાલન-બાગાયત- ખેતીવાડી, વન વિભાગ અને બીજનીગમ સહિત સરકારી વિભાગો અને ખાનગી કંપનીઓ દ્વારા નિદર્શન સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઇ બારીયા, એ.પી.એમ.સી ચેરમેન ગોવિંદભાઇ પટેલ, કૃષિ, નાની સિંચાઇ અને સહકાર સમિતિ જિલ્લા પંચાયત મહીસાગર ચેરમેન વિક્રમસિંહ પરમાર, ચરેલગ્રામ પંચાયત સરપંચ બિનલબેન પટેલ, કૃષિ વૈજ્ઞાનિક મકાઇ સંશોધન કેન્દ્ર ગોધરા તેમજ તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યો તથા વિવિધ સમિતિના ચેરમેનઓ, મહાનુભાવો, વિવિધ વિભાગોના અધિકારીઓ આમંત્રિતો તથા તાલુકા માંથી પ્રગતિશીલ ખેડૂત ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.