મહીસાગર જિલ્લાની ઉર્વશી માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બન્યો આશીર્વાદરૂપ
જન્મજાત ફાટેલા હોઠ માટેનું ઓપરેશન નિઃશુલ્ક થતા દિનેશભાઇના પરીવારમાં ખુશીની સાથે: જન કલ્યાણલક્ષી સરકાર પ્રત્યે આભારની લાગણી
લુણાવાડા, બાળકોના આરોગ્ય સુખાકારી અને નિરામય સ્વાસ્થ્ય માટેના કલ્યાણકારી કાર્યક્રમોના અમલીકરણ માટે રાજ્ય સરકારનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હર હંમેશાં તત્પર રહે છે.
ત્યારે જરૂરિયાતમંદ બાળકોને પૂરતી સહાય અને સારવાર આપી અનેક બાળકોના પરિવારમાં ખુશાલી આવી છે એવા જ મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં મજુરી કરીને જીવન ગુજરાન ચલાવતા દિનેશભાઇ દંતાણીના પરીવારની બાળકીનું જન્મજાત ફાટેલા હોઠ (કલેફ્ટ લીપ) માટેનું ઓપરેશન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક થતા ઉર્વશી હસતી રમતી થતાં પરીવારમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે.
લુણાવાડા નગરના ખોડીયાર મંદિર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરીવારના સરસ્વતીબેન દંતાણી જણાવે છે કે, તેઓ મજુરી કરીને પરીવારનું જીવન ગુજરાન ચલાવે છે તેમના પરીવારમાં દિકરી ઉર્વશી ને જન્મ સમયે ઘરમાં ખુશીનું વાતાવરણ હતું.
પરંતુ જ્યારે એ જાણવા મળ્યુ કે, તેમની દિકરીને જન્મજાત હોઠ ફાટેલા છે. તે જાણી અમને ઘણુંજ દુઃખ થયું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા આંગણવાડી તપાસ દરમ્યાન જન્મજાત ફાટેલા હોઠ અંગે સારવાર માર્ગદર્શન આપ્યું અને તેને વડોદરા ખાતેની ઇશા હોસ્પિટલમાં તેને રીફર કરી તેના ફાટેલ હોઠનું નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ઓપરેશન બાદ તે સંપુર્ણ સ્વસ્થ થઇ પરીવારમાં હસતી રમતી થઇ ગઇ છે. આર.બી.એસ.કે ટીમના ડૉ. નિર્જર શુક્લ, ડૉ. પ્રિયંકાબેન બારીયા, ફાર્માસિસ્ટ આશાબેન, ફિમેલ હેલ્થ વર્કર અંકિતાબેન દ્વારા તેની અવાર નવાર ગૃહ મુલાકાત લઇ તેના આરોગ્યની તપાસ કરવામાં આવે છે.
સરસ્વતીબેન વધુમાં જણાવે છે કે, સરકારના આરોગ્ય વિભાગ ધ્વારા ચાલતા શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અમને લાભ મળ્યો છે.
ખાનગી હોસ્પિટલમાં અંદાજે રૂપિયા સિત્તેર હજાર થી એક લાખના ખર્ચે થતું ફાટેલા હોઠનું ઓપરેશન કોઇપણ જાતના ખર્ચ વિના નિઃશુલ્ક થતા તેમજ આરોગ્યના કર્મચારીઓના સાથ અને સહકાર થકી આ આરોગ્ય સેવા મળી તે બદલ હું સરકારની આભારી છું. આ કાર્યક્રમથી મારી દિકરીની આ જન્મજાત ખામી દૂર થતા તે સારુ જીવન જીવી શકશે.
સરકારની આ યોજનાથી મારી ઉર્વશી હસતી રમતી સ્વસ્થ જીવન જીવી રહી છે. તે માટે હું જન કલ્યાણલક્ષી રાજ્ય સરકારનો અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના સભ્યોનો હૃદય પૂર્વક આભાર માનું છું. તથા ભવિષ્યમાં અમારા જેવા અનેક લાભાર્થીઓના પરિવારના બાળકો માટે આ યોજના આશાનું કિરણ બની રહેશે તેવી શુભકામનાઓ પાઠવું છું.