મહીસાગર જિલ્લામાં મહીસાગર યોગ ગર્લ તરીકે ઓળખાતી કાજલ રાવત
લુણાવાડા: મહીસાગર યોગ ગર્લ તરીકે ઓળખાતી કાજલ રાવતે આજે જિલ્લા કલેકટર શ્રી આર.બી બારડની સૌજન્ય મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન આજે તા.૧૯ મી ના રોજ ડુ યોગા બીટ કોરોના રાજ્ય સરકારની મુહિમમાં પોતે જોડાશે અને અન્યને આ મુહિમમાં જોડાવવા પ્રેરણા પૂરી પાડશ તેવી ઇચ્છા દર્શાવી હતી.
જ્યારે કલેકટરશ્રી આર.બી.બારડે કુમારી કાજલને તેના ભવિષ્યની અને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. કુમારી કાજલ રાવતની જિલ્લા કલેક્ટર શ્રી સાથેની મુલાકાત દરમિયાન તેના યોગ પ્રશિક્ષક શ્રી સુરેશચંદ્ર ભાવસાર પણ સાથે રહ્યા હતા. અહીં વાત કરવી છે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નેસ ગામના લાલસીંગભાઇ રાવતના પરીવારની દિકરી કાજલ તેના મામાને ત્યાં રહીને ધોરણ -૭ માં નરસીંગપુર મુખ્ય પાથામિક શાળામાં ભણે છે. તેનો આખો પરિવાર નેસ ગામમાં રહે છે. કાજલના પરિવારમાં તેના દાદા- દાદી, માતા-પિતા, ચાર બહેન અને એક ભાઇ છે. તેનું ઘર કાચુ નળીયાવાળુ છે. તેનો પરિવાર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
આવા સામાન્ય પરિવારમાંથી આવતી કાજલ પહેલા ધોરણમાં ભણતી હતી ત્યારે શાળાના યોગ શિક્ષક સુરેશચંદ્ર ભાવસાર સમુહમાં યોગાસન કરાવતા હતા ત્યારે તેમણે કાજલને પશ્ચિમોત્તાનાસન કરતી જોઇ અને તેમને લાગ્યુ કે આટલુ અઘરૂ યોગાસન સરળતાથી કરી શકે છે ત્યારથી યોગ શિક્ષકે તેના પર વિશેષ ધ્યાન આપી યોગાસનની તાલીમ આપી. આગળ વધતા કાજલ આર્ટીસ્ટીક યોગામાં યોગાસનના અઘરા આસનો અને રીધેમીક યોગામાં સંગીત સાથે યોગાસનોનો નિયમીત મહાવરો કરી કુશળતા મેળવવામાં આગળ વધી છે. કાજલ વ્યક્તિગત યોગ ચેમ્પીયનશીપના એ ગૃપના સર્વાગાસન, પૂર્ણ ધનુરાસન, મત્સ્યાસન, પશ્ચિમોત્તાનાસન, બી ગૃપના ભારે આસનો પૂર્ણ સલભાસન, પૂર્ણ ચક્રાસન, બકાસન, ગર્ભાસન, સી ગૃપના અતિભારે આસનો ઉત્થિતપાદ હસ્તાસન, સાંખ્યાસન, શિર્ષાસન, પદ્મ શિર્ષાસન, ટીટ્ટીભાસન તેમજ આર્ટીસ્ટીક સ્પર્ધાના ભારે આસનો ગંડ ભેરુડાસન, કમર મરોડાસનનું પણ સુંદર રીતે યોગ નિદર્શન કરે છે.
રાજ્ય સરકાર દ્વારા ખેલમહાકુંભના માધ્યમથી રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ઠ કૌશલ્ય ખિલવવાના હેતુ સાથે ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવામાં આવે છે. ખેલ મહાકુંભને પરિણામલક્ષી બનાવી શરૂઆતના તબક્કાથી પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય તેમજ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ પીછાણીને પ્રતિભા બહાર આવે તેમજ ખાસ પ્રશિક્ષણ, રમતગમતના સાધનો અને માળખાગત સવલતો પુરી પાડીને તેની ગુણવત્તામાં વધારો કરવામાં આવે છે.
તેમાં પણ હવે ખાસ કરીને દીકરીઓ આગળ આવી પોતાની પ્રતિભા પૂરવાર કરી રહી છે. સરકારના કન્યા કેળવણીની દિશામાં બેટી પઢાઓ અભિયાનને વેગ મળી રહયો છે. અંતરીયાળ અને ઉંડાણના ગ્રામ્ય આદિજાતિ વિસ્તારમાંથી મહીસાગર યોગ ગર્લ તરીકે જાણીતી બનેલી કાજલ પણ તેમાંની એક છે. તાજેતરમાં ગુજરાત યોગ સોસાયટી દ્વારા આયોજીત રાજ્યકક્ષાની સ્પર્ધામાં કાજલે પોતાના યોગ કૌશલ્ય થકી ત્રીજો ક્રમાંક મેળવી ગૌરવપ્રદ સિધ્ધિ મેળવી છે.
વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં ખેલમહાકુંભમાં મહીસાગર જિલ્લાની યોગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પ્રગતિના શિખરો સર કરી રાજ્ય કક્ષાએ પણ ઉત્તમ પ્રદર્શન કરી મહીસાગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અવાર નવાર યોગના કાર્યક્રમોમાં અનેક અઘરાં યોગાસનો કરતી કાજલને જોઇ યોગ નિહાળનારા અચંબિત થઇ જાય છે. નાની ઉંમરમાં મહીસાગર જિલ્લામાં યોગ ગર્લ તરીકે નામના પામેલી કાજલને અનેક મહાનુભાવોના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર અને પુરસ્કારો મેળવ્યા છે.