મહીસાગર જિલ્લા મહિલા સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ

લુણાવાડા,મહિલાઓ સામેના અત્યાચારો રોકવા માટે મહીસાગર જિલ્લા મહિલા સુરક્ષા સમિતિના સભ્યો સાથે મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષકુમારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષકુમારે મહિલાઓ સામેના અત્યાચારો રોકવા મહિલાઓની સુરક્ષા પર ચર્ચા કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડૉ. હાર્દિક પ્રજાપતિએ પોલીસની ભૂમિકા તેમજ તેઓની મર્યાદાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
તેમણે ગ્રામ્ય તેમજ શહેરી કક્ષાએ થતી ગુનાખોરી અટકાવવામાં પોલીસને કેવી રીતે મદદ કરી શકાય તેની સમજ આપી હતી. તેમણે કેવી રીતે પોલીસને મદદ કરી શકાય તેની જાણકારી આપતાં કહ્યું હતું કે, જયારે રાત્રિના સમયે અસ્થિર મગજની મહિલાને કોઇ મુશ્કેલી પડે કે અટવાઇ ગઇ હોય, દૂરના સ્થળોએથી મજુરી અર્થે આવેલા મજુરોના ઓળખપત્રોની ચકાસણી કરવી કે અજાણી વ્યકિતની જાણકારી મળે તો તો તેની જાણ પોલીસને જાણ કરીને પોલીસને મદદરૂપ બનવા કહ્યું હતું.
સાથે સમિતિનો મુખ્ય ઉદ્દેશ સમજાવતા મહિલાઓની સુરક્ષા, મહિલા સશક્તિકરણ, મહિલાઓના સામેના અત્યાચારો રોકવા માટે, તેમજ અંધશ્રદ્ધાના નામે મહિલાઓ પર થતા અત્યાચારો નિવારવાના પ્રયાસો આ સમિતિ દ્વારા કરવામાં આવતાં હોવાનું જણાવી જિલ્લામાં આવા પ્રકારના અત્યાચારો ન થાય તેની જાગૃતતા લાવવાનું કામ તેમજ મહિલાઓના આરોગ્ય સંબંધિત સમસ્યાઓ નિવારવાના પ્રયાસો પણ આ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું ઉમેર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા મહિલા સુરક્ષા સમિતિની બિન સરકારી મહિલા સભ્યશ્રીઓ તેમજ સખી વન સ્ટોપના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.