Western Times News

Gujarati News

મહીસાગર પોલીસ શોર્ટ ફિલ્મો થકી સોશિયલ મીડિયામાં કરી રહી છે કોરોના જનજાગૃતિનો નવતર અભિગમ

મહીસાગર પોલીસના શોર્ટ ફિલ્મના અભિયાનની નાગરિકોએ કરી સરાહના -પોલીસ દ્વારા કોરોના લોક જાગૃતિમાં ઘરમાં રહો સુરક્ષિત રહો નો આપ્યો સંદેશ
લુણાવાડા, સમગ્ર વિશ્વને કોરોનાવાયરસ (COVID-19) એ પોતાના ભયંકર ભરડામાં લીધું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તેને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારત દેશ સહિત ગુજરાતમાં લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. કોરોનાવાયરસે મોટાભાગના દેશમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે લોકોને કોરોના મહામારીને ગંભીરતાથી લઈ જાગૃત બને તેવા શુભ આશયથી મહીસાગર પોલીસે શોર્ટ ફિલ્મો થકી સોશિયલ મીડિયામાં વિડીયોના માધ્યમથી નવતર અભિગમ થકી લોકોને જાગૃત કરવાનો મહાન અભિયાન છેડયું છે.

જિલ્લા પોલીસ વડા શ્રી ઉષા રાડા દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા આ પાંચ જેટલી શોર્ટ ફિલ્મનું નિર્માણ ગુજરાતના જાણીતા નાટ્ય દિગ્દર્શક પ્રોફેસર કમલ જોષી ના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવી છે આ શોર્ટ ફિલ્મમાં કોરોના જનજાગૃતિ સંદેશ આપવામાં આવ્યો છે. જેમાં મહિસાગર જિલ્લામાં લોકડાઉનનાં ચૂસ્ત અમલની સમજદારી, સેનિટાઇઝરથી હેન્ડ વોશની સમજણ, માસ્કનો ઉપયોગ અને વિતરણ, સામાજિક અંતર જાળવવા અંગે, ઉપરાંત કોરોના સામેની લડાઈમાં પોલીસ જાગૃત પ્રહરી બની લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવી રહી છે. પોલીસ, ડોક્ટર, નર્સ અને જિલ્લા વહીવટી તંત્રને નાગરિકો સાથ સહકાર આપી સહભાગી બની પ્રજાજનોને ઘરે રહો સુરક્ષિત રહો નો સંદેશ આપ્યો છે. તેમજ આ શોર્ટ ફિલ્મોમાં જિલ્લા કલેકટર શ્રી આર.બી બારડ, જિલ્લા પોલીસ વડા શ્રી ઉષા રાડા દેસાઈ અને પોલીસ અધિકારી શ્રીઓ ના લોકજાગૃતિ સંદેશને વણી લેવામાં આવ્યા છે.

જિલ્લા પોલીસ જવાનોએ કોરોના સંક્રમણની વૈશ્વિક સ્થિતિ સમજાવી લોકોને આવી સ્થિતિનું નિર્માણ આપણા દેશ અને રાજ્યમાં ન થાય તે માટે ઘરમાં જ રહો અને લોકડાઉનનું પાલન કરો પોલીસ દ્વારા આપવામાં આવેલ લોક જાગૃતિ સંદેશની આ શોર્ટ ફિલ્મ લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહે છે. પોલીસના આ નવતર અભિયાનને લોકો દ્વારા સારો પ્રતિસાદ સાંપડયો છે.

આ નવતર અભિગમનો વિચાર કરી અમલમાં મુકનાર જિલ્લા પોલીસવડા શ્રી ઉષા રાડા દેસાઈએ જણાવ્યું કે, વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ઘણા દેશોના નાગરિકો આનો ભોગ બન્યા છે. કોરોના એ સમગ્ર વિશ્વમાં પગપેસારો કર્યો છે. વિકસિત અને આરોગ્ય ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા દેશો જ્યારે કોરોનાવાયરસ સામે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે ભારત જેવા વિકાસશીલ દેશના નાગરિક તરીકે આપણે બોધપાઠ લેવાની જરૂર છે. કોરોનાની ગંભીરતા સમજી સરકારના દિશાનિર્દેશોનું પાલન કરવું ઘણું જ જરૂરી બને છે. જેનુ પ્રોત્સાહક સમર્થન નાગરિકો તરફથી મળેલ છે.

વધુમાં જણાવ્યું કે લોકડાઉનમાં લોકો કારણ વિના બહાર નિકળે છે, કેટલાક કિસ્સામાં પોલીસ દ્વારા એક્શન લેવામાં આવે છે ત્યારે પોલીસ તમારી સુરક્ષા માટે રાત-દિવસ જોયા વગર તેમની ફરજ બજાવે છે તે નાગરિકોની ભલાઇ માટે જ છે. જેથી કાયદાનું પાલન કરવું જરૂરી છે તેથી ઘરમાં જ રહો સુરક્ષિત રહો નો સંદેશ આપી જણાવ્યું કે નાગરિકોને કંઇક અનોખો અને ધારદાર સંદેશ આપવા માટે પોલીસનું આ શોર્ટ ફિલ્મનું નવતર અભિયાન કારગર સાબિત થઇ રહ્યું છે. આ અભિયાનને લોકો તરફથી સોશિયલ મીડિયામાં ઘણા જ બધા હકારાત્મક પ્રતિભાવો મળી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.