મહુડી મંદિર બંધ હોવાની વાત ટ્રસ્ટીઓ દ્વારા ફગાવી દેવાઈ
ગાંધીનગર, માણસામાં આવેલા પ્રખ્યાત જૈન મંદિર મહુડી કોરોનાના ફેલાવાના કારણે બંધ કરાયું હોવાની કેટલીક અફવાઓ ફેલાઈ હતી જેના પર મંદિરના જ ટ્રસ્ટી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં દિવાળી પછી ફરી એકવાર ઝડપથી કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવવાના કારણે જરુરી જગ્યાઓ પર મહત્વના પગલા ભરવામાં આવી રહ્યા છે.
જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કડક પગલા ભરવામાં આવ્યા છે. આવામાં બાગ-બગીચા પણ બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ત્યારે હોળી દરમિયાન રાજ્યના મંદિરોમાં થતા મોટા કાર્યક્રમોમાં પર પણ અંકુશ લગાવવામાં આવ્યા છે.
મહુડી મંદિર કોરોનાના ફેલાવાના કારણે બંધ કરાયું હોવાની અને સમય ઘટાડી દેવામાં આવ્યો હોવાની ખોટી અફવાઓ પર મંદિરના ટ્રસ્ટીએ વાત કરીને જણાવ્યું છે કે, મહુડીમાં દર્શન ચાલુ જ છે, ખોટી અફવાઓથી દૂર રહેવું. મંદિરના ટ્રસ્ટી વિનીત વોરાએ એક વીડિયો મેસેજના માધ્યમથી જ જણાવ્યું છે કે મંદિર સવારથી સાંજ સુધી ખુલ્લું જ રહે છે.
વોરાએ જણાવ્યું કે, સરકારની ગાઈડલાઈન મુજબ સવારના ૭ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી દર્શન ચાલુ જ છે. એટલે કે નક્કી કરેલા સમય દરમિયાન મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું જ છે. મંદિર બંધ હોવાની ખોટી અફવાઓ ફેલાતી હોવાની વાત થતાં દૂરથી આવતા દર્શનાર્થીઓ વિમાસણમાં મૂકાયા હતા, આવામાં આ વાત ટ્રસ્ટીઓ સુધી પહોંચતા તેમના દ્વારા મંદિર ખુલ્લું જ હોવાની અને સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરીને મંદિર ખુલ્લું રખાયું હોવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે.