મહેતા પરિવાર કરોડોની સંપત્તી ત્યાગીને દીક્ષા લેશે
સુરત, કરોડો રૂપિયાની સંપત્તિ ત્યાગીને સંન્યાસ લઈ લેવો નાની વાત નથી. સંસારની મોહમાયામાંથી છૂટવું મુશ્કેલ છે. સુરતનો સાધન સંપન્ન પરિવાર એકસાથે સંયમના માર્ગે ચાલી નીકળવા માટે તૈયાર છે. “આત્માને સુખી કરવો ધર્મ છે, એક ક્ષણ પણ આત્માને દુઃખી ના કરવો એ જૈન દીક્ષા છે. અમે કશું છોડી નથી રહ્યા પણ પકડવા જઈ રહ્યા છીએ”, આ શબ્દો છે મહેતા પરિવારના મોભી વિપુલભાઈના.
સુરતમાં યોજાનારા ૭૪મા સામૂહિક દીક્ષા મહોત્સવમાં વિપુલભાઈ પત્ની અને બે યુવાન સંતાનો સાથે દીક્ષા ગ્રહણ કરવાના છે. ૭૪મા સામૂહિક દીક્ષા મહોત્સવમાં ૭૪ દીક્ષાર્થીઓમાં કુલ આઠ પરિવારો છે. તેમાંનો એક પરિવાર છે સુરતનો મહેતા પરિવાર. ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલા ૫૬ વર્ષીય વિપુલભાઈ રસીકલાલ મહેતાનો આલિશાન ફ્લેટ હાલ સાદગી અને સાત્વિકતાનો પર્યાય બની ગયો છે.
પરિવારમાં થનારી દીક્ષાને લઈને ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ૫૧ વર્ષીય પત્ની સીમાબેન અને બે પુત્રો પ્રિયેન (૩૦ વર્ષ) અને રાજ (૨૦ વર્ષ) સંયમના માર્ગે ચાલવા માટે અધીરા બન્યા છે. પ્રિયેને ડિપ્લોમા કમ્પ્યૂટર એન્જિનિયરિંગ કર્યું છે જ્યારે રાજ કોલેજમાં અભ્યાસ કરતો હતો. જાેકે, બંનેએ ગુરુકુળવાસ દરમિયાન અનુભવ્યું કે સાચું શિક્ષણ સંયમ અને સાચું સુખ પણ સંયમી જીવન છે.
સીમાબેન અને વિપુલભાઈએ પણ ગુરુકુળવાસ દરમિયાન આ અનુભવ રર્યો હતો. વિપુલભાઈની એક દીકરી પણ હતી જેણે ૧૧ વર્ષ પહેલા દીક્ષા લીધી હતી. જે હાલ શ્રી આર્હત્દર્શિતાશ્રીજી મ.સા. તરીકે જીવન ગાળે છે. આ દીકરીની ઈચ્છા હતી કે, તેની જેમ તેનો પરિવાર પણ સંયમ જીવનનો વૈભવ ભોગવે.
ત્યારે હવે આ મનોકામના પૂરી થઈ રહી છે. ઘરમાં પ્રથમ દીક્ષા થઈ એ વખતે જ દરેકની અંદર દીક્ષાના બીજ રોપાયા હતા. વિપુલભાઈએ કહ્યું, શ્રી યોગતિલકસૂરિશ્વરજી મહારાજ સાથે સહવાસથી આધ્યાત્મિક રીતે વિવિધ ઉકેલ મળતા અને દીક્ષા ભાવ દ્રઢ થતો ગયો.
વાંચનના શોખીન વિપુલભાઈ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીના અનેક લેખકોના પુસ્તકો વાંચી ચૂક્યા છે. પણ વૈરાગ્ય જાગ્યું ત્યારે લાગ્યું કે સંસારમાં દરેક જગ્યાએ કંઈક ઉણપ છે. જૈનદર્શનમાં એ અધૂરપ વિશે જાણ થઈ અને દીક્ષાનો માર્ગ વધુ મોકળો બન્યો હતો.SSS