મહેન્દ્ર સિંહ ધોનીએ રવિન્દ્ર જાડેજાના રેકોર્ડની બરાબરી કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Dhoni-1.jpg)
દુબઇ, માહીની ચેન્નાઇ સુપર કિંગ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ના પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની છે. સીએસકેએ ૩૦ સપ્ટેમ્બર (ગુરુવારે) સનરાઇઝર્સ હૈદરાબાદને છ વિકેટે હરાવ્યું. આ જીત સાથે સીએસકેના ખાતામાં કુલ ૧૮ પોઇન્ટ છે અને ધોની એન્ડ કંપનીએ પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કું કરી દીધું છે. આ મેચમાં કેપ્ટન ધોનીએ સિક્સર સાથે ટીમને જીત અપાવી હતી. ધોનીએ ૧૧ બોલમાં ૧૪ રન બનાવ્યા બાદ અણનમ પરત ફર્યા હતા અને આ રીતે તેણે રવિન્દ્ર જાડેજાના રેકોર્ડની પણ બરાબરી કરી હતી.
આઈપીએલમાં સફળ ચેઝમાં સૌથી વધુ વખત અણનમ રહેવાના મામલે ધોનીએ રવિન્દ્ર જાડેજાની બરાબરી કરી છે. આ ૨૪ મી વખત હતું, જ્યારે ધોની આઇપીએલમાં રનનો પીછો કરતી વખતે નોટ આઉટ રહ્યો, આ પહેલા આ રેકોર્ડ એકલા રવિન્દ્ર જાડેજાના નામે નોંધાયો હતો અને હવે ધોની પણ આ મામલે તેની સાથે ટોચ પર પહોંચી ગયો છે. આ સિવાય ધોનીએ આઇપીએલમાં સીએસકે માટે વિકેટકીપર તરીકે ૧૦૦ કેચ પણ પૂર્ણ કર્યા હતા. ધોની આઇપીએલના ઇતિહાસમાં સૌથી સફળ વિકેટકીપર છે.
ધોનીએ અત્યાર સુધીમાં ૨૧૫ આઇપીએલ મેચમાં ૧૫૮ વિકેટ લીધી છે. જેમાં ૧૧૯ કેચ અને ૩૯ સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે. દિનેશ કાર્તિક બીજા નંબરે છે, જેણે ૨૦૭ આઇપીએલ મેચમાં ૧૪૬ વિકેટ લીધી છે.સીએસકેએ આ સિઝનમાં કુલ ૧૧ મેચ રમી છે, જેમાંથી ટીમે ૯ માં જીત મેળવી છે.આઇપીએલ ૨૦૨૧ના બીજા તબક્કામાં સીએસકે અત્યાર સુધી એક પણ મેચ હારી નથી.HS