મહેમદાવાદમાં દીકરાની દવા લઈને પરત ફરી રહેલા માતાનું રિક્ષામાંથી પડી જતા મોત
નડીયાદ, ખેડા જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. તેમ છતાં પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે. મહેમદાવાદના સિહુંજ પાસે રીક્ષામાંથી આકસ્મિક રીતે પડી જતાં મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મહેમદાવાદ પોલીસે આ અંગે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. ભુમસની આ મહિલા પોતાના નાદુરસ્ત દિકરાની દવા કરાવીને પરત ફરતી વેળાએ જ મોત મળ્યું છે.
મહુધા તાલુકાના ભુમસ ગામે ડેરીવાળા ફળિયામાં રહેતા કારીબેન માનાભાઈ પરમાર ગત ૨૧ ઓગસ્ટના રોજ પોતાના દીકરાની દવા કરાવવા તેની સાથે સિહુંજ ગામે ગયા હતા. જ્યાંથી દવા કરાવીને પરત ફરતાં સાડા દશ વાગ્યાની આસપાસ સિહુંજ ગામેથી એક રીક્ષામાં બેઠા હતા. આ ગામની સીમમાં બસ સ્ટેન્ડ પાસેજ આકસ્મિક રીતે રીક્ષામાંથી કારીબેન રોડ પર પડી ગયા હતા. તેથી તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
જે બાદ કારીબેનને આજ રીક્ષામાં ઘરે મુકી આવવામાં આવ્યા હતા. આ વાતની જાણ કુટુંબના લોકોને થતાં તેઓએ કારીબેનને નજીકના સરકારી દવાખાને અને ત્યાંથી નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત વધુ લથડતાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડ્યાં હતા. જ્યાં ગતરોજ બપોરે કારીબેન પરમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
આ અંગે મહેમદાવાદ પોલીસે મરણજનારના ભત્રીજા સુનીલ પરમારની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.HS