મહેમદાવાદ સીએચસી સેન્ટર ખાતે ICU વોર્ડને ખુલ્લો મૂકતાં કેબિનટ મંત્રીશ્રી અર્જૂનસિંહ ચૌહાણ

આ અદ્યતન આઇસીયુ વોર્ડ બનતા મહેમદાવાદ અને તેની આજુબાજુના ગામોના રહિશોને જરૂરીયાતના સમયે સારી સારવાર ઉપલબ્ધ થશે
–ગ્રામ વિકાસ અને ગ્રામ ગ્રૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જૂનસિંહ ચૌહાણ
ખેડા જિલ્લાના મહેમદાવાદ મુકામે આવેલ સી.એચ.સી. સેન્ટર ખાતે મહેમદાવાદના ધારાસભ્યશ્રી અને
સરકારના ગ્રામ વિકાસ અને ગ્રામ ગ્રૃહ નિર્માણ કેબિનેટ મંત્રીશ્રી અર્જૂનસિંહ ચૌહાણના વરદ હસ્તે ત્રણ પથારી
ધરાવતા અદ્યતન આઇસીયુ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આઇસીયુ યુનિટ માટે મંત્રીશ્રીની ગ્રાન્ટમાંથી
રૂા.૫૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
આ પ્રસંગ મંત્રીશ્રી અર્જૂનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, આ સુવિધા મળવાથી મહેમદાવાદ તાલુકાના નાગરિકોને આરોગ્યલક્ષી મોટી સુવિધા ઉપલબ્ધ થઇ છે. અગાઉ ગંભીર દર્દીઓની સારવાર માટે દર્દીઓને નડિયાદ અથવા અમદાવાદ ખાતે વધુ સારવાર માટે લઇ જવામાં આવતા હતા હવે આ સગવડ ઉભી થવાથી આ વિસ્તારના નાગરિકોને રાહત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેમદાવાદ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આ દવાખાનામાં સારી સગવડતા મળી રહેતી હોવાથી દર્દીઓને સારવારમાં રાહત રહે છે અને ખોટા ખર્ચમાં બચાવ થાય છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઇ દવે, ઇનચાર્જ આરોગ્ય અધિકારીશ્રી ર્ડા.કાપડીયા, ર્ડા. ડી.આર.પટેલ, ર્ડો. મેધા શાહ, મહેમદાવાદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી શીલાબેન વ્યાસ, કોર્પોરેટરો, શ્રી નિલેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી નટવરસિંહ, આરોગ્ય અધિકારીઓ, ડોકટરો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહયા હતા.
જિલ્લા માહિતી કચેરી,
ખેડા-નડીઆદ.