મહેસાણાના ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશને ૩૧૬ અનફીટ વાહનોને ફીટ જાહેર કરી દીધાં!

અનફીટ વાહનોની ભૌતિક ચકાસણી કર્યા સિવાય સરકારી રેકર્ડ સાથે ચેડાં કર્યાં
નમન ઈલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી
મહેસાણા,
મહેસાણાના હેડૂવા રાજગર સ્થિત નમન ઈલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન દ્વારા વાહનોની ભૌતિક ચકાસણી કર્યા સિવાય સરકારી રેકર્ડ સાથે ચેડાં કરી કુલ ૩૧૬ અનફીટ વાહનોને ફીટ જાહેર કરી દીધાં હોવાનું ખુલતાં મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.વાહન વ્યવહાર કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા મહેસાણાના હેડુવા રાજગર ખાતે નમન ઈલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલક સંજય પ્રવિણભાઈ રામાણી (રહે. જીઆઈડીસી ફેઝ-૨, રોડ નં.૧૩, ખથવાડા, અમદાવાદ)ને તા.૧-૭-૨૦૧૭થી વાહનોનું ટેસ્ટિંગ કરી વાહનના ફીટનેસ/રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રિન્યૂ કરવા અંગેની મંજૂરી-પરવાનો અપાયેલો છે.
ATS (ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન) દ્વારા ફીટનેસ ટેસ્ટની કામગીરી એનઆઈસી દ્વારા વિકસાવવાયેલી ઓટોમેટેડ ફીટનેસ મેનેજમેન્ટ સિસ્ટમ (AFMS) દ્વારા કરાતી હોય છે. ATS દ્વારા ફીટનેસ ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરી ટેસ્ટ રિઝલ્ટ (ફોર્મ નં.૬૯) AFMS પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે અને ત્યાર બાદ ફીટનેસ સર્ટિફિકેટ ફોર્મ નં.૩૮ ઈશ્યૂ કરવામાં આવતા હોય છે.જોકે, નમન ઈલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન દ્વારા તા.૨-૯-૨૦૨૩થી તા.૨૧-૧૧-૨૦૨૩ દરમિયાન કુલ ૮૪૫ વાહનોના ફીટનેસ ટેસ્ટ લેવામાં આવ્યા હતા અને ફોર્મ નં.૬૯ અપલોડ કરાયા હતા. વાહન વ્યવહાર કમિશનર ગાંધીનગર કચેરીના અધિકારીઓ-કર્મચારીઓએ આ ફોર્મ નં.૬૯ની ચકાસણી કરતાં કુલ ૩૧૬ વાહનોના ફીટનેસ ટેસ્ટ કર્યા સિવાય વાહનોની ગેરહાજરીમાં ફીટનેસ ટેસ્ટ ઈશ્યૂ કરાયાં હોવાનું જણાયું હતું અને નમન ઈલેક્ટ્રોનિક્સ દ્વારા આ વાહનોના અગાઉના ઉપલબ્ધ ફોટાને એડિટ કરી ફોર્મ નં.૬૯માં અપલોડ કરી ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં આવેલા હોવાનું જણાયું હતું.
જેથી તેમણે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મહેસાણાને જાણ કરતાં નમન ઈલેક્ટ્રોનિક્સના સંચાલકો સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા મોટર વાહન નિરીક્ષક પી.પી.ચાવડાને અધિકૃત કરાયા હતા. જે આદેશ મુજબ પી.પી.ચાવડાએ નમન ઈલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલકો, કામ કરતા ઈસમોએ પોતાના અંગત ફાયદા માટે વાહનોની ભૌતિક ચકાસણી કર્યા સિવાય કરી કુલ ૩૧૬ વાહનોના ફોટા મોર્ફ કરી વાહનની અનઉપસ્થિતિમાં તેની ઉપસ્થિતિ દર્શાવવા બનાવટી ફોટા અપલોડ કરી બનાવટી ફોર્મ નં.૬૯ના આધારે સરકારી રેકર્ડ ઉપર ખોટી રીતે ફીટનેસ વેલિડિટી વધારીને અનફીટ વાહનોને ફીટ જાહેર કરી જાહેર માર્ગ તેમજ જાહેર જનતાની સલામતી માટે જોખમ ઊભું કરી સરકારી રેકર્ડ ખોટી રીતે અપડેટ કરી અયોગ્ય રીતે સરકારી ફી લઈને સરકાર સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.SS1