મહેસાણાના બે યુવકોનાં એસટી બસની અડફેટે મોત
મહેસાણા: મહેમદાવાદ નજીક એકસપ્રેસ હાઇવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. શાકભાજીના કેરેટ ભરી વડોદરા રૂટ પર જઇ રહેલા મહેસાણાના બે યુવકો જે ટેમ્પામાં બેઠા હતા તે પલટી ખાતાં બંને હેમખેમ બહાર નીકળ્યા હતા, પરંતુ પાછળથી પૂરઝડપે નીકળેલી એસટી બસે અડફેટે લેતાં બંનેનાં ઘટના સ્થળે મોત થયાં હતાં. મહેમદાવાદ પોલીસે આ સંબંધે મહેસાણા તેમના પરિવારને જાણ કરી હતી. મહેસાણાના બે યુવકો ટેમ્પામાં શાકભાજીના કેરેટ ભરી વડોદરા રૂટ પર જઇ રહ્યા હતા તે દરમિયાન સુંધા વણસોલ ગામની સીમમાં ટેમ્પો પલટી ગયો હતો.
આ અકસ્માતમાં બંને યુવકો હેમખેમ બહાર નીકળ્યા હતા અને હજુ રોડ પર જ ઉભા હતા ત્યાંજ પાછળથી આવેલી એસટી બસના ચાલકે બંનેને અડફેટે લેતાં ઘટના સ્થળે મોત થયાં હતાં. મૃતકોની પોલીસે ઓળખ કરી તેમના પરિવારને જાણ કરી હતી.
રમેશભાઇના ભાઇ ભરતસિંહે કહ્યું કે, તે માર્કેટની ગાડી ચલાવતો હતો અને ટેમ્પામાં શાકભાજી લઇ વડોદરા તરફ જતાં અકસ્માત નડ્યો હતો અને તેમાં રમેશભાઇ અને મુકેશભાઇનું મોત થયું હતું. કમનસીબ મૃતકોમાં ૧.રમેશભાઇ કાંતિભાઇ દરબાર (રહે.મારૂતિ ટેનામેન્ટ, મહેસાણા) ૨.મુકેશભાઇ તળશીભાઇ પ્રજાપતિ (રહે. મૂળ ગઢા, તા.રાધનપુર, હાલ સ્નેહકુંજ, ટીબી રોડ, મહેસાણા)નો સમાવેશ થાય છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.