મહેસાણાના 79 જેટલા વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો કેમ લાગુ કરાયો?
શહેરના વોર્ડ નં.૩માં સમાવિષ્ટ ધોબીઘાટ નેળિયા સહિત વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી લઘુમતી કોમના લોકોનો વસવાટ વધ્યો હતો. જેને પગલે આ વિસ્તારોમાં સત્વરે અશાંતધારો લાગૂ કરવા સ્થાનિક રહિશોની રજૂઆત
મહેસાણા, મહેસાણા શહેરના કેટલાક વિસ્તારોમાં ચોક્કસ સમુદાયના લોકોનો વસવાટ અને જનસંખ્યા વધી જવાના કિસ્સામાં સંભવિત રમખાણ અને હિંસાઓને અટકાવવા રાજય સરકારે અશાંતધારો લાગુ કર્યો છે.
મહેસાણામાં છેલ્લા ઘણા સમયથી અશાંત ધારાની માંગ બાદ ૧૦મી જુલાઈના રોજ મહેસૂલ વિભાગે મહેસાણાના ૭૯ જેટલા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડયું હતું. મહેસાણામાં હવે અશાંત ધારા હેઠળના સંબંધિત વિસ્તારોની મિલકત લે-વેચ કરવા માટે પ્રાન્ત અધિકારીની મંજૂરી મેળવવી પડશે.
શહેરના વોર્ડ નં.૩માં સમાવિષ્ટ ધોબીઘાટ નેળિયા સહિત વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી લઘુમતી કોમના લોકોનો વસવાટ વધ્યો હતો. જેને પગલે આ વિસ્તારોમાં સત્વરે અશાંતધારો લાગૂ કરવા સ્થાનિક રહિશો તેમજ ધારાસભ્ય મુકેશભાઈ પટેલે કલેકટરથી માંડીને રાજય સરકારમાં અશાંત ધારો લાગૂ કરવા પાલિકાની ખાસ સાધારણ સભામાં ઠરાવ પણ કરવામાં આવ્યો હતો.
રાજય સરકારે પણ ગંભીરતા લઈ મહેસાણાના ૭૯ જેટલા સંભવિત અને અસરગ્રસ્ત વિસ્તારો અને તેની આસપાસના પ૦૦ મીટર ત્રિજિયામાં આવતા એરિયાઓમાં અશાંત ધારો લાગુ કરવાની જાહેરાત કરી છે. જેમાં મોટાભાગે શહેરના વોર્ડ નં.૧ થી ૪ ના વિસ્તારોનો સમાવેશ કરાયો છે.
રાજય સરકારના મહેસુલ વિભાગે ૧૦મી જુલાઈના રોજ અશાંત ધારા માટે સત્તાવાર જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જેમાં અશાંત ધારા માટેનું નોટિફિકેશન ૧૦ જુલાઈ ર૦ર૪થી ૯મી જુલાઈ ર૦ર૯ સુધી એટલે કે પાંચ વર્ષ માટે અમલમાં રહેશે.