મહેસાણામાં ક્રાઈમ બ્રાન્ચે અનાજની દુકાનના ૩ સંચાલકો સહિત સિદ્ધપુરના એક વચેટિયાને પકડયા
મહેસાણા: બનાસકાંઠા સરકારી અનાજ કૌભાંડનું પગેરું હવે મહેસાણા જિલ્લામાં પહોંચ્યું છે. અનાજના કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અગાઉ પકડેલા અનાજખોરોની તપાસમાં વધુ પાંચ આરોપીઓનાં નામ ખુલતાં ધરપકડ કરાઇ છે. જેમાં મહેસાણાની સસ્તા અનાજની દુકાનના ૩ સંચાલકો અને સિદ્ધપુર શહેરનો એક વચેટિયો પણ છે. ક્રાઈમ બ્રાન્ચે પાંચે આરોપીઓના રિમાન્ડ મેળવી અનાજ કૌભાંડના તાર ક્યાં સુધી ફેલાયેલા છે તે જાણવા આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.
બીજી બાજુ, અનાજ કૌભાંડમાં મહેસાણા શહેરના જ ત્રણ સંચાલકોની ધરપકડ થતાં સબ સલામતની ડંફાશો મારતા જિલ્લા પુરવઠા વિભાગમાં પણ હલચલ મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચે અનાજ કૌભાંડમાં ધરપકડ કરેલાં ૧૩ આરોપી પૈકી ૧૧ આરોપીઓ ઉત્તર ગુજરાતના હોઇ મહેસાણા સહિત ઉ.ગુ.ના જિલ્લાઓમાં મસમોટા અનાજ કૌભાંડનો પર્દાફાશ થાય તેવી શક્યતા તપાસ કરતી પોલીસે વ્યક્ત કરી હતી.
સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી જે ગ્રાહકોએ અનાજ ખરીદ્યું ન હોય તેમના ઓનલાઈન ખોટા બિલો બનાવવા રેશનિંગની દુકાનોના સંચાલકો પાસેથી માહિતી મેળવી ખોટા બિલો બનાવી આવા ગ્રાહકોના અનાજનું બારોબારિયું કરવાના કૌભાંડનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૧૫ દિવસ અગાઉ પર્દાફાશ કરી ૮ શખ્સોની ધરપકડ કરી હતી. જેમની પૂછપરછમાં મહેસાણાના ૩, સિદ્ધપુર અને અમદાવાદના એક-એક મળી વધુ ૫ શખ્સોનાં નામ ખૂલતાં ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. જેમની પૂછપરછમાં સિદ્ધપુરના શખ્સની ભૂમિકા વચેટિયા તરીકે, જ્યારે મહેસાણાના ૩ સંચાલકોએ અનાજ ખરીદ કરેલ ન હોય તેવા ગ્રાહકોના ખોટા બિલો બનાવી સરકાર તેમજ ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હોવાનું ખૂલ્યું છે. જ્યારે બનાસકાંઠાના હિતેષ ચૌધરીને સેવ ડેટા નામની એપ્લીકેશન અમદાવાદના નરોડાના શખ્સે બનાવી આપી હોવાથી તેની પણ ધરપકડ કરી પૂછપરછ શરૂ કરાઈ છે.
૧. દિલીપસિંહ ધનાજી સોલંકી (સંચાલક) રહે. અક્ષરધામ ફ્લેટ, માલ ગોડાઉન રોડ, મહેસાણા ૨. સાહિલખાન ઈબ્રાહિમખાન પઠાણ (સંચાલક) રહે. ગોરીવાસ, સિદ્ધપુરી બજાર, મહેસાણા ૩. કનૈયાલાલ નગીનલાલ જયસ્વાલ (સંચાલક) રહે. ચરાડુ, તા.જિ. મહેસાણા ૪. કમલેશ જીતેન્દ્રભાઈ મોદી (વચેટિયો) રહે.૫૮૫, જૂની મિલની ચાલી, સિદ્ધપુર ૫. હિતેષ નવનીતભાઇ ઘોડાસરા (એપ બનાવનાર) રહે. નવા નરોડા, અમદાવાદ સામેલ છે અનાજ કૌભાંડમાં અત્યાર સુધીમાં બનાસકાંઠાના ૭, પાટણના ૧ અને મહેસાણાના ૩ મળી ઉત્તર ગુજરાતના ૧૧ શખ્સોની ધરપકડ કરાઈ છે. આ કૌભાંડ મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં ફેલાયેલું હોવાથી આગામી દિવસોમાં વધુ સસ્તા અનાજની દુકાનોના સંચાલકો અને વચેટિયાઓની ધરપકડ થાય તેવી સંભાવના છે.