મહેસાણામાં મંદિરમાંથી ૨ કિલો ૫૦ ગ્રામ ચાંદીની છતર લઇને ચોરો છૂમંતર
કડી: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સેડફા ગામમાં આવેલા મંદિરમાં દિવસ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો મંદિરમાં પ્રવેશ કરી માતાજીને બાધાના ચડાવેલા રૂપિયા ૮૬ હજારના ચાંદીના છતરની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે બાવલું પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કોરોના મહામારી દરમિયાન જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરો બેફામ બન્યા છે. શહેરી વિસ્તારોથી હવે ચોરો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોરીને અંજામ આપવા લાગ્યા છે. જેમાં કડી તાલુકાના સેડફા ગામમાં આવેલા ચામુંડા માતાના મંદિરને ચોરીએ નિશાન બનાવ્યું હતું. દિવસ દરમિયાન અજાણ્યા ઈસમો મંદિરમાં પ્રવેશી મંદિરમાં અગાઉ ચડાવવામ આવેલા માનતાના છતરની ચોરી કરી છે.
ગામમાં રહેતા એક વ્યક્તિ સાંજે મંદિરમાં દર્શન કરવા ગયા હતા એ દરમિયાન મંદિરમાં ૨૦૧૩ની સાલમાં ચડાવવામાં આવેલી ૧ કિલો ૨૫૦ ગ્રામ ચાંદીની છતર અને બીજી ૪૦૦ ગ્રામની છતર તેમજ બીજી ૧૦૦ ગ્રામની કુલ ૫ જેટલી છતર ભેટમાં આવેલી હતી. જે મંદિરમાં નજરે ના પડતા આસપાસના લોકોને જાણ કરતા આજુબાજુમાં શોધખોળ કરી હતી, પરંતું ક્યાંક છતર ના મળતા ગામ લોકોએ કુલ રૂપિયા ૮૬ હજારના મત્તાની ચોરી થયાની ફરિયાદ બાવલું પોલીસમાં નોધાવી હતી.