મહેસાણામાં રક્ષા બંધનના દિવસે સીટી બસ સેવાની ભેટ મળશે
મહેસાણા: મહેસાણા શહેરમાં આખરે રાહ જાેઈ રહેલા લોકો માટે સીટી બસની સેવા ઘણા વર્ષ બાદ ફરી શરૂ થશે. અગાઉ રાજકીય પક્ષોના વિવાદના કારણે સીટી બસ સેવામાં અડચણો ઉભી થઇ હતી, પરંતુ હવે સીટી બસનો પ્રોજેક્ટ ટૂંક સમયમાં પૂરો થવા જઈ રહ્યો છે. આગામી ૨૨મી ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે પાલિકા દ્વારા શહેરની બહેનોને સીટી બસ સેવાની ભેટ આપવામાં આવનાર છે.
મહેસાણા શહેરમાં શ્રાવણ માસથી સીટી બસ ફરી શરૂ કરવામાં આવશે. જે મુજબ સીટી બસ સેવાનો કોન્ટ્રાક્ટ લેનારી એજન્સી ગુરૂકૃપા ટ્રાવેલ્સ સાથે એગ્રીમેન્ટ કરી વર્કઆઉટ પણ આપી દેવામાં આવ્યો છે.
મહેસાણા શહેરમાં લાંબા સમય બાદ ફરી શહેરીજનોને સીટી બસની સેવા મળવા જઇ રહી છે. અગાઉના સમયમાં સીટી બસ શરૂ કરવાને લઈને વિવાદો સર્જાતા હતા. જાેકે, હવે આખરે વિવાદોનો અંત આવતા ફરી એકવાર શહેરના નાગરિકોને સીટી બસ સેવાનો લાભ મળશે. સીટી બસ સેવાના લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.