મહેસાણામાં વીજબિલ ત્વરિત ચૂકવનાર ઉપભોક્તાઓનું સન્માન
યુજીવીસીએલ દ્વારા ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા રાજ્યમાં નવતર પ્રયોગ
મહેસાણા, મહેસાણા સિટી-૧વિસ્તારમાં ૩૬ હજાર જેટલા વીજ ગ્રાહકો પૈકી ૧૮ ગ્રાહકો એવા છે કે જે ઘરે વીજબિલ હાથમાં આવે કે તરત ઓનલાઈન ચૂકવણું કરી દે છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન વીજબિલ મળ્યાના પ્રથમ દિવસે જ ભરપાઈ કરનાર ૧૮ ગ્રાહકોને અલગ તારવી વીજકંપનીના અધિકારી દ્વારા આ તમામ ગ્રાહકોના ઘરે જઈ સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું. મહેસાણા વિભાગીય કાર્યપાલક ઈજનેર વી.બી. પટેલ અને નાયબ ઈજનેર જે.પી. પ્રજાપતિના હસ્તે ગ્રાહકોને સન્માનપત્ર આપી બીરદાવાયા હતા.
મહેસાણા શહેર પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર જે.પી. પ્રજાપતિએ કહ્યું કે, વીજ બિલના ૧૦ દિવસની મર્યાદામાં ગ્રાહકે બિલ ભરવાનું હોય છે. આ ૧૦ દિવસમાં બિલ ભરનાર તમામ અમારા માટે સન્માનિય છે. બધાના ઘરે પહોંચી ન શકાય એટલે અમે બિલના દિવસે જ ભરનાર ગ્રાહકોને પ્રતીકરૂપે સન્માનનો કાર્યક્રમ આયોજીત કર્યો હતો.
એક વર્ષ દરમિયાન, બિલ મળ્યાના પ દિવસમાં બિલ ભર્યું હોય એવા ૧૭૦૦ જેટલા ગ્રાહકો થતા હતા. ગ્રાહક સમયસર બિલ ભરતા હોય તો તેમનું સન્માન એ પણ અમારી ફરજ છે. આ ગ્રાહકલક્ષી અભિગમ છે. મોટાભાગે લોકો હવે ઓનલાઈન બિલ ભરતા થયા છે અને ઓનલાઈન બિલિંગને વેગ મળે એ પણ પ્રયાસ રહ્યો છે.
સામાન્ય રીતે કોઈપણ વપરાશ, ખર્ચનું બિલ આવે એટલે પહેલા ભરો કે પછી ભરો આપણે ચુકવવાનું તો થાય છે. જાણમાં બિલ આવે એટલે મોબાઈલ એપથી તરત ભરી લઈએ છીએ.