મહેસાણા અને પાટણનો વોન્ટેડ ખિસ્સા કાતરું આરોપી ઝડપાયો
મહેસાણા, મહેસાણા જિલ્લા સહિત પાટણમાં પરિવહન માટે લોકો રિક્ષાનો ઉપયોગ કરતા હોય છે. લોકોને પોતાની રીક્ષામાં બેસાડી પેસેન્જરે પહેરેલા દાગીના અને તેમની પાસે રહેલી રોકડ પડાવી લેવાની પ્રવૃતિઓ વધી જતાં પોલીસના નાકે દમ આવી ગયો હતો. મહેસાણા ટીમને મળેલી માહિતી આધારે જિલ્લાના સાંગણપુર ગામે એક શકમંદ વ્યક્તિને પકડી પુછપરછ કરતા એ મુળ ખેરાલુનો વતની મેહુલ ભરથરી હોવાની માહિતી આપી હતી.
પોલીસે તેના પર શંકાના આધારે યુકિત પ્રયુક્તિ વાપરી પુછપરછ કરતા મેહુલે જણાવ્યુ પોતે રિક્ષામાં પેસેન્જર બેસાડી અનેક લોકો સાથે ચોરીઓની પ્રવૃતિઓ કરી હતી જેને લઈ પોલીસની ટીમે તેની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી હતી આરોપીએ પોતે તેના અન્ય સાગરીતો મુકેશ સોલંકી, જયંતી સોલંકી અને અનિતા પ્રજાપતિ સાથે મળી છેલ્લા ૪ મહિનામાં ૧૩ જેટલા ગુન્હાઓને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.
મહેસાણા અને પાટણ જિલ્લામાં રિક્ષામાં પૂર્વ આયોજિત કાવતરુ રચી આરોપી મેહુલ અને તેના ૩ સાથીદારો મળી સામાન્ય નાગરિકોને રિક્ષામાં બેસાડી ચાલાકીપૂર્વક પૈસા કે દાગીના સેરવી લેતા હતા જેમાં છેલ્લા ચાર મહિનામાં આ આરોપીઓ દ્વારા ૧૩ જેટલા ગુનાઓને અંજામ આપતા ૪ સોનાની ચેન, ર સોનાની બંગડી, એક પારાકંઠી અને ૧.રર લાખ જેટલી રકમ સેરવી લીધી છે.
મહેસાણાના ઉપરી અધિકારીઓ દ્વારા મળેલ સુચનાઓના પગલે મહેસાણા અને પાટણ જિલ્લાના મળી ચોરીના ૧૩ જેટલા ગુનાઓ શોધી કાઢવામાં સફળતા મળી છે પરંતુ પોલીસના હાથે માત્ર એક આરોપી ઝડપાયો છે અને હજુ પણ ૩ આરોપીઓ વોન્ટેડ છે ઝડપાયેલા આરોપી ચોરીના અનેક ગુનામાં સપડાયેલો હોવા છતાં તેની પાસેથી કોઈ મુદ્દામાલ રિકવર થયો નથી ત્યારે આ આરોપીઓના હાથે ભોગ બનનાર નાગિકોને તેમની ચોરાયેલ ચીજવસ્તુઓ અને રોકડ ક્યારે પરત મળે છે તે તો જાેવુ રહ્યું.