મહેસાણા એસટી ડિવિઝનની રોજની આવક રૂ.૨૫ લાખથી વધીને ૪૫ લાખ થઇ
મહેસાણા: એપ્રિલ-મેમાં કોરોનાના કેસ વધતાં એસટીના સંચાલનમાં કાપ મૂકાયા બાદ કેસ ઘટતાં ૨૫ જૂનથી ૫૦ ટકાથી વધારીને ૭૫ ટકા ક્ષમતા સાથે બસો દોડાવવા તેમજ રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ મળતાં બે મહિના પહેલાં કરતાં મુસાફરોની આવક બમણી થઇ છે. મહેસાણા ડિવિઝનમાં સમાવિષ્ટ ૧૧ ડેપોમાં અગાઉ રોજ રૂ.૨૦ થી ૨૫ લાખની મુસાફર આવક રહેતી હતી, જે હાલમાં વધીને રોજ રૂ. ૪૦ થી ૪૫ લાખ થઇ છે.
મહેસાણા એસટી વિભાગીય કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, મહેસાણા, કડી, કલોલ, પાટણ, ચાણસ્મા, હારિજ, ઊંઝા, બહુચરાજી, ખેરાલુ, વડનગર, વિસનગર ડેપોમાં કોરોનાના બે વર્ષ પહેલાં ૭૬૦ જેટલા શિડ્યુઅલ ચાલુ હતા, ત્યારે વર્ષ ૨૦૧૯-૨૦માં ૬.૯૦ કરોડ મુસાફરોએ લાભ લીધો હતો. જ્યારે કોરોના વર્ષ ૨૦૨૦-૨૧માં મોટાભાગે બસ સંચાલન ઠપ રહેતાં આ વર્ષમાં ૩૦.૪૨ લાખ મુસાફરોએ બસની સવારી કરી હતી. જ્યારે ચાલુ વર્ષ એપ્રિલ અને મે મહિના દરમિયાન વધુ એક ડેપો વિજાપુરનો મહેસાણા ડિવિઝનમાં ઉમેરો થતાં ડિવિઝનમાં હવે ૧૨ ડેપોમાં છેલ્લા બે મહિનાથી ૮૦થી ૯૦ હજાર મુસાફરો લાભ લઇ રહ્યા છે.
કોરોના વર્ષમાં ૫૦ ટકા કેપેસીટીમાં ડિવિઝનને રોજ રૂ.૨૦ થી ૨૫ લાખ આવક રહેતી અને ૫૦ ટકા બસો જ એટલે કે ૩૦૦ બસો જ દોડતી હતી. જ્યારે જૂન મહિનામાં ૫૦ની કેપેસીટી વધારી ૭૫ ટકા કરાતાં હાલ દૈનિક આવક વધીને રૂ.૪૦ થી ૪૫ લાખ થઇ છે. હાલમાં રોજ ૫૭૦ શિડ્યુઅલ ચાલુ છે.મહેસાણા એસટી વિભાગીય નિયામક વિનુભાઇ ચૌધરીએ કહ્યું કે, હાલમાં સ્થાનિક ટ્રીપો ડિમાન્ડ મુજબ ચાલુ કરાઇ રહી છે. આવક ન હોય એવી ટ્રીપોમાં હાલ કંટ્રોલ ચાલુ છે, જેમાં બિલકુલ ટ્રાફિક ન હોય તેવી ટ્રીપો બંધ છે. પ્લાનિંગ મુજબ આવક મોનિટરિંગ કરીને બસ નિયમન કરાઇ રહ્યું છે. હવે ૭૫ ટકા સિટિંગ સાથે બસ સંચાલન ચાલુ થયું છે.