મહેસાણા જિલ્લાની તમામ રીક્ષાઓનો ડેટા પોલીસની એપ સાથે જોડાશે
જિલ્લા પોલીસ અધિક્ષક મનીષ સિંહનો નાગરિકોની સલામતી માટે નવતર પ્રયોગ -પોલીસ તંત્ર અને આ.ટી.ઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે મહેસાણા જિલ્લામાં ટૂંક સમયમાં ” સુરક્ષિત ઓટો ” સેવાની શરૂઆત થશે
જિલ્લાની ૧૩ હજાર જેટલી રીક્ષાઓા માલિકોની ચકાસણી કરી કોડ અપાશે-રીક્ષાના રૂટ પ્રમાણે પોલીસ સ્ટેશનના નામ પ્રમાણે કોડ અપાશે
મહેસાણા, પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે રીક્ષા મુસાફરી દરમિયાન થતા બનાવો અને ગુન્હાઓ અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક મનિષ સિંહ દ્વારા જિલ્લામાં ” સુરક્ષિત ઓટો” સેવા નામનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવનાર છે. આગામી ૦૩ માસમાં આ પ્રોજેક્ટ અમલી બનતાં જિલ્લાની તમામ ૧૩ હજાર જેટલી રીક્ષાઓ પોલીસના દાયરામાં આવી જશે જેનાથી જિલ્લાના નાગરિકો સુરક્ષિત અને સલામતી મુસાફરીનો અનુ્ંભવ થશે.
મહેસાણા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ,મહેસાણા જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને માર્ગ સુરક્ષા અભિગમ થકી પોલીસ તંત્ર અને આર.ટી.ઓના સંયુ્કત પ્રયાસથી જિલ્લામાં નવતર અભિગમની શરૂઆત થનાર છે.સુરક્ષિત ઓટો સેવા થકી જિલ્લાની તમામ ઓટોને એક કોડ નંબર આપવામાં આવશે જે કોડ સ્થાનિક પોલીસ સ્ટેશનના કોડ સાથે મળતો હશે જેમકે કડીમાં K01 .
આ પ્રકારનો કોડ રાખવાનું મુખ્ય કારણ એ છેકે પ્રવાસી સહેલાઇથી યાદ રાખી શકે. આ ઉપરાંત આ કોડ સાથે નીચે પ્રમાણિત કરવામાં આવશે કે આ વાહન પોલીસ તંત્ર અને આર.ટી.ઓ વિભાગ દ્વારા પ્રમાણિત થયેલ છે.
રીક્ષા મુસાફરી દરમિયાન થતા ગુન્હાઓ અને બનાવો અટકાવવા માટે મહેસાણા જિલ્લામાં આ હકારત્મક અભિગમ સમાજમાં પોઝિટિવ વિચારની દિશામાં પ્રેરણા પુરી પાડનારો બનશે.
મહેસાણા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા રીક્ષા માલિક સાથે રીક્ષા હાંકનાર સહિતની તમામ વિગતો લઇને નોંધણી કરી કોડ અપાશે જેથી કોડ ઉપર તમામ વિગતો સહેલાઇથી મળી શકે.
આ માટે જિલ્લાના નાગરિકોને અપીલ કરાશે કે જે રીક્ષાને સુરક્ષિત ઓટો સેવાથી પ્રમાણિત કરાઇ હોય તેજ રીક્ષામાં મુસાફરી કરવી. જિલ્લા પોલીસ અધિક્ષક મનીષ સિંહના આ અભિગમ થકી જિલ્લાની ૧૩ હજાર જેટલી રીક્ષાઓ-રીક્ષા ચાલકો અને રીક્ષા માલિકોના ડાટા ઉપલ્બઘ બનશે જેના થકી ગુન્હાખોરી અટકશે અને થયેલ ગુન્હાઓનું નિરાકરણ આવશે