મહેસૂલ પંચમાં જ્યુડિશિયલ મેમ્બરની વરણી માટે અરજી
અમદાવાદ: ગુજરાત રાજય મહેસૂલ પંચમાં વહીવટી અધિકારીને બદલે કાયદાની ડિગ્રી ધરાવનાર અને કાયદાકીય ક્ષેત્રે અનુભવી જયુડીશીયલ મેમ્બર પાસે જ સુનાવણી હાથ ધરાય તે મતલબનો કાયદાકીય મુદ્દો ઉપસ્થિત કરતી રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. જેની સુનાવણીમાં જÂસ્ટસ વિપુલ એમ.પંચોલીએ રાજય સરકાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, રજિસ્ટ્રાર સહિતના પક્ષકારોને કારણદર્શક નોટિસો જારી કરી છે અને કેસની વધુ સુનાવણી તા.૨૦મી જાન્યુઆરીએ મુકરર કરી છે.
સુરતના છીમકાભાઈ મગનભાઇ પટેલ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ સુનીતભાઈ શાહ, નિમિષ એમ.કાપડિયા અને નિસર્ગ એમ.શાહ તરફથી એવી મહત્વની દલીલો કરાઇ હતી કે, ગુજરાત રાજ્ય મહેસુલ પંચમાં ગણોત કાયદા હેઠળ તેમણે નાયબ કલેક્ટર સુરતના હુકમ વિરૂધ્ધ બે રીવીઝન અરજી કરી હતી.
ઉપરાંત તેમના સામાવાળા પક્ષકારોએ પણ બે અલગ રીવીઝન અરજી કરી હતી અને આ તમામ રીવીઝન અરજીઓ સરકારમાંથી આવેલ વહીવટી અધિકારી (પંચના સભ્ય) ને બદલે કાયદાની ડિગ્રી ધરાવનાર અને કાયદાકીય ક્ષેત્રે અનુભવી એવા સભ્ય પાસે જ સુનાવણી થાય તેવી અરજી કરેલ જે અરજી પંચના ચેરમેને નામંજૂર કરી હતી, તે હુકમ સામે આ પિટિશન દાખલ કરવાની ફરજ પડી છે. ટ્રિબ્યુનલ જે ટ્રિબ્યુનલાઈઝેશનના સિધ્ધાંતથી અસ્તિત્વમાં આવી છે તેમાં ચેરમેનનો સમાવેશ થાય છે
આ ચેરમેન અને મેમ્બર ભારતીય નાગરીકોના સિવિલ પ્રકારના હક્કોનો અપીલ અને રીવીઝનમાં નિર્ણય કરે છે. ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલની જોગવાઈ મુજબ મેમ્બર (સભ્ય) ક્યાં તો કલેક્ટર, નાયબ સચિવ ગુજરાત સરકાર, ડિસ્ટ્રિક્ટ જજ ક્યાં તો આસીસ્ટન્ટ જજ હોઈ શકે. ચેરમેન એક મેમ્બરવાળી બેન્ચ બનાવી તેને અપીલ કે રીવીઝન અરજી નિર્ણય કરવા આપી શકે છે.
આ બાબતમાં જેમને કાયદા અંગે અનુભવ અને ડિગ્રી નથી તે પણ આવા કેસો ચલાવી શકે. રીવીઝન એપ્લીકેશન કે અપીલ જે સીંગલ મેમ્બરમાં ચલાવવામાં આવે છે તે કેસ ફક્ત જ્યુડીશીયલ મેમ્બરે ચલાવવો જોઈએ. રીવીઝન અને અપીલ નિર્ણય કરતી વખતે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ જ્યુડીશીયલ (ન્યાયિક) ફંક્શન ડિસ્ચાર્જ કરે છે તેથી એડજ્યુડીકેશન (હક્કો અંગેનો નિર્ણય) ફક્ત અને ફક્ત જ્યુડીશીયલ મેમ્બર જ કરી શકે છે. આ રજુઆતના સમર્થનમાં અરજદારે નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ઉપર આધાર રાખી હતી.
જેમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે કે, જે કોર્ટ કે ટ્રિબ્યુનલ એડજ્યુડીકેશન (હક્કો નક્કી) કરતી હોય તે બેન્ચમાં જ્યુડીશીયલ મેમ્બરની હાજરી અનિવાર્ય છે અને જ્યુડીશીયલ મેમ્બર હોવા માટે કાયદાની ડિગ્રી સાથે સાથે કાયદા ક્ષેત્રનો અનુભવ હોવો જોઈએ તો જ એ મેમ્બર(સભ્ય)ને જ્યુડીશીયલ મેમ્બર કહેવામા આવશે. રેવન્યુ ટ્રિબ્યુનલની કાર્યવાહી એ ન્યાયિક કાર્યવાહી હોય છે અને તેમાં સિવિલ કોર્ટ જેવી સત્તા પણ હોય છે. તેથી આ સત્તા કાયદા ક્ષેત્રે જેનો અનુભવ અને ડિગ્રી હોય (જ્યુડિશિયલ ટ્રેઇન્ડ માઇન્ડજ) તે જ વ્યક્તિ કરી શકે છે. જો જ્યુડીશીયલ મેમ્બર ના હોય તો અગત્યના કાયદાના સિધ્ધાંતોનું ઉલ્લંધન થઈ શકે છે અને ભારતીય નાગરિકનો મહેસુલ પંચ ઉપરથી વિશ્વાસ ડગમગી શકે છે.