માંગરોળ બંદર પર લાંગરેલી બે બોટમાં આગથી નુકશાન
જૂનાગઢ: ગઈકાલે રાત્રે રાજ્યના નાધેર પંથકમાં આવેલા માંગરોળ બંદરે નવી જેટી પંજાબ વિસ્તાર તરીકે ઓળખાતા બંદર પર લાંગરેલી બે બોટમાં આગ લાગી હતી. જાેત જાેતામાં આ આગની ઝપટમાં આજુબાજુમાં રહેલી બોટ પણ આવી ગઈ હતી અને તેના કારણે આગના ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા.
આ આગને લઈ બાજુમાં રહેલી ત્રણ બોટમાં આગ લાગતા પાંચ બોટો આગના તાંડવની ઝપટમાં આવી ગઈ હતી. બેકાબૂ આગને ફાયર બ્રિગેડનો સહારો મળે તે પહેલાં જ પાંચ પૈકીની બે બોટ બળીને ખાક થઇ ગઈ હતી.
સ્થાનિકો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પણ આગ બેકાબુ બની હતી. પંજાબ જેટી વિસ્તારમાં પાર્કિંગ મા મુકેલી બોટોમા અચાનક આગ લાગતા વ્યાપક નુકસાન થયું છે. આગ અંગે ખારવા સમાજના અગ્રણી વેલજીભાઈ મસાણીએ જણાવ્યું હતું કે ‘આ આગ મોડી રાતે કાબૂમાં આવી હતી.
માંગરોળ ઉપરાંત, ચોરવાડ, વેરાવળ ફાયરબ્રિગેડ સંયુક્ત ઑપરેનશ હાથધરીને મોટી નુકસાની થતા બચાવી છે. જાે સમયસર આગ કાબૂમાં ન આવી હોત તો ૫૦૦ બોટ આગની ઝપટમાં આવી જતા વાર ન લાગતી.
મસાણીના જણાવ્યા મુજબ આ નુકસાનીમાં ૩ બોટો સંપૂર્ણપણ બળીને ખાક થઈ છે જ્યારે ૨ બોટમાં વ્યાપક નુકસાન થયું છે. આગના ધુમાડા દૂર દૂર થી નજરે ચડયા હતા. પાલીકા ફાયર ફાઈટર અને યુવાનો દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ખારવા સમાજના અગ્રણી વેલજી ભાઈ મસાણી, પાલીકા પ્રમુખ મો.હુસેન ઝાલા સહિત આગેવાનો અને ડીવાયએસપી પુરોહિત, પીઆઇ રાઠોડ સહિત પોલીસ કાફ્લો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગ લાગવાનું ચોકકસ કારણ જાણવા નથી મળ્યું પરન્તુ કોલ્ડ રૂમમા આવેલા થર્મોકોલના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.મોડી રાત સુધી એકધારો પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં આવી હતી.