માંડવીના ડેકોરેશન અને નાસ્તા બાબતે રહીશો વચ્ચે મારામારી
ઘાટલોડિયા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યો
ઘાટલોડિયાના કિર્તી એપાર્ટમેન્ટમાં રહેતા રહીશો વચ્ચે ડેકોરેશનના કામ અને નાસ્તા બાબતે મારામારી થઇ હતી
અમદાવાદ, ઘાટલોડિયાના કિર્તી એપાર્ટમેન્ટમાં રહેતા રહીશો વચ્ચે ડેકોરેશનના કામ અને નાસ્તા બાબતે મારામારી થઇ હતી. બંને પક્ષના લોકો સામસામે આવી જતા કેટલાક લોકોએ હાથપગ તોડી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ઘાટલોડિયા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘાટલોડિયાના કિર્તી એપાર્ટમેન્ટમાં તરુણાબેન પટેલ પરિવાર સાથે રહે છે.
તરુણાબેનની સોસાયટીમાં નવરાત્રિનું આયોજન થયુ હતું. જેમાં માંડવીના ડેકોરેશનનું આયોજન સોસાયટીમાં રહેતા જીગરભાઇ પટેલે કર્યુ હતું. જેને લઇને સોસાયટીમાં જ રહેતા અને લાઇટ ડેકોરેશનનું કામ કરતા જિજ્ઞેશ ઉર્ફે જીગાભાઇ પટેલ નારાજ હતા. તેવામાં ગત શનિવારે તરુણાબેન જીગરભાઇના પત્ની સાથે એ બ્લોક પાસે બેઠા હતા. ત્યારે જિજ્ઞેશ ઉર્ફે જીગાભાઇએ ત્યાં રહેતા પૂર્વિલ પટેલ વિરુદ્ધ કરેલી અરજીને લઇને પોલીસ આવી હતી. પોલીસ પૂર્વિલ સાથે વાત કરીને જતી રહી હતી. ત્યારબાદ જિજ્ઞેશ ઉર્ફે જીગાભાઇ પટેલના પત્ની અલ્પાબેન, ચેરમેન ભરતભાઇ પટેલના પત્ની જાગૃતિબેને આવીને નવરાત્રિમાં માંડવીના ડેકોરેશનનું કામ કેમ સરખી રીતે કર્યુ નહોતુ તેમ કહીને શિલ્પાબેન સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા.
જેથી તરુણાબેને આ શિલ્પાબેનને તમે કરેલુ નાસ્તાનું આયોજન પણ સારૂ નહોતુ તેમ જણાવ્યુ હતું. જેથી બંને પક્ષના લોકો વચ્ચે અંદરોઅંદર ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઇ હતી. તેવામાં અલ્પાબેને તરુણાબેનને લાફો મારી દીધો હતો. અન્ય લોકોએ પૂર્વિલ સાથે ઝપાઝપી કરી હતી. બાદમાં આ તમામ લોકોએ અમારી સામે આવશો તો હાથપગ તોડી નાખીશુ તેવી ધમકી આપતા પોલીસ બોલાવાઇ હતી. ઘાટલોડિયા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરીને અલ્પાબેન ઉર્ફે ઉર્વિબેન જિજ્ઞેશભાઇ પટેલ, વેદ જિજ્ઞેશભાઇ પટેલ, જાગૃતિબેન ભરતભાઇ પટેલ અને ક્રિશ ભરતભાઇ પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ss1